Last Updated on by Sampurna Samachar
IPHONE ૧૭નું ભારતમાં ઉત્પાદન શરૂ કરાયુ
એપલ દ્વારા ચીનમાં પણ ઉત્પાદન શરૂ
(સંપૂર્ણ સમાચાર સેવા)
એપલ દ્વારા આઇફોન ૧૭ ના તમામ મોડલનું ભારતમાં ઉત્પાદન શરૂ થઈ ગયું છે. આ તમામ આઇફોનને ત્યાર બાદ અમેરિકામાં મોકલવામાં આવશે. ચીન અને અમેરિકાના ટેરિફ વોરને લઈને કંપનીને ખૂબ જ સમસ્યા ઊભી થઈ હતી. ત્યારે એપલ દ્વારા ભારતમાંથી આઇફોનને મોકલવામાં આવ્યા હતા. જોકે ત્યાર બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એપલને ધમકી આપવામાં આવી હતી કે તેઓ અમેરિકામાં ફોન નહીં બનાવે તો તેમની પ્રોડક્ટ પર ટેરિફ લગાવવામાં આવશે. જોકે એ છતાં એપલે ભારતમાં ઉત્પાદન શરૂ કરી દીધું છે.
એપલ દ્વારા આઇફોન ૧૭ સિરીઝમાં આઇફોન ૧૭, આઇફોન ૧૭ પ્રો, આઇફોન ૧૭ પ્રો મેક્સ અને નવું મોડલ આઇફોન ૧૭ એરનો સમાવેશ કર્યો હોવાની ચર્ચા છે. આ તમામ મોડલનું ભારતમાં ઉત્પાદન શરૂ કરાયું છે. એપલ દ્વારા ચીનમાં પણ ઉત્પાદન કરાઈ રહ્યું છે. જોકે એપલ હવે એક માત્ર ચીન પર ર્નિભર નથી રહેવા માગતું અને એથી તેઓ હવે અન્ય માર્કેટને પણ ધ્યાનમાં લઈ રહ્યા છે અને એથી ભારતને પસંદ કરવામાં આવ્યું છે.
અત્યાર સુધીમાં ૭.૫ બિલિયન ડોલરના આઇફોન એક્સપોર્ટ થયા
આ પહેલી વાર થયું છે કે લોન્ચ પહેલાં તમામ મોડલ હવે ભારતમાં બનાવવામાં આવી રહ્યા છે. આ વર્ષની શરૂઆતમાં જ એપલ દ્વારા અમેરિકા માટે જેટલા પણ મોબાઇલની જરૂર પડે છે એ તમામને ચીનની જગ્યાએ ભારતમાંથી મોકલ્યા હતા. અમેરિકા-ચીન વચ્ચેની ટ્રેડ વોરને કારણે આ ર્નિણય લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ એપલ દ્વારા તેના મેન્યુફેક્ચરિંગ યુનિટમાં પણ વધારો કરવામાં આવ્યો છે. પહેલાં ત્રણ ફેક્ટરી હતી, પરંતુ થોડા સમય પહેલાં જ બીજી બે શરૂ કરવામાં આવી છે. આથી એપલ હવે પાંચ ફેક્ટરીમાં નવા આઇફોનનું ઉત્પાદન કરી રહ્યું છે.
એપલ હવે તેના ઉત્પાદનની ક્ષમતા વધારવા માટે પાર્ટનરશિપ પર પણ ધ્યાન આપી રહ્યું છે. ફોક્સકોનની ફેક્ટરી બેંગલોરમાં છે અને ટાટા ગ્રુપની ફેક્ટરી તમિલનાડુના હોસુરમાં આવેલી છે. ટાટા ગ્રૂપના પ્લાન્ટમાં જેટલા પણ આઇફોનનું ઉત્પાદન થાય છે એ તમામને ભારતમાં રાખવામાં આવશે. ભારતની જરૂરિયાતના અડધા આઇફોન આ ફેક્ટરીમાંથી એપલને મળી જશે. આથી એપલ તેની સપ્લાય ચેન માટે ભારતના મેન્યુફેક્ચરિંગ યુનિટ સાથે પાર્ટનરશિપ કરી રહી છે.
એપલે જ્યારથી ચીનથી આઇફોન એક્સપોર્ટ કરવાનું ઓછું કર્યું છે ત્યારથી ભારતમાં એક્સપોર્ટ વધી ગયું છે. ૨૦૨૪-૨૫માં આઇફોનના એક્સપોર્ટમાં ખૂબ જ વધારો થયો છે. આગામી થોડા વર્ષમાં એનાથી પણ વધુ વધારો થવાની આશા છે. એપ્રિલથી લઈને અત્યાર સુધીમાં ૭.૫ બિલિયન ડોલરના આઇફોન અત્યાર સુધીમાં ભારતમાંથી એક્સપોર્ટ થયા છે. ગયા વર્ષે નાણાકીય વર્ષમાં ટોટલ ૧૭ બિલિયન ડોલરના આઇફોન એક્સપોર્ટ થયા હતા. એની સામે ફક્ત ચાર મહિનામાં ૭.૫ બિલિયનના આઇફોન એ ખૂબ જ વધુ કહેવાય છે.
એપલ દ્વારા અમેરિકામાં ૧૦૦ બિલિયન અમેરિકન ડોલરનો પ્લાન્ટ શરૂ કરવાની તૈયારી દેખાડવામાં આવી છે. ટ્રમ્પ દ્વારા આઇફોન પર ટેરિફ લગાડવાની વાત કરવામાં આવી હતી. આથી આગામી ચાર વર્ષમાં એપલ અમેરિકામાં પણ ઉત્પાદન શરૂ કરશે. આ ર્નિણય લેવાનું કારણ એ છે કે ભારતમાં બનતા આઇફોન પર અમેરિકા ટેરિફ ન લગાડે. જો એ લગાડવામાં આવે તો આઇફોનની કિંમત ખૂબ જ વધી જશે.