Last Updated on by Sampurna Samachar
ઇઝરાયલે ગાઝા પર હવાઈ હુમલો કરતાં ૧૦૦થી વધુના મોત
હમાસ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા વડાપ્રધાન
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ગાઝા શાંતિ કરાર આખરે નિષ્ફળ ગયો છે. ઇઝરાયલે ફરી એકવાર ગાઝા પર હવાઈ હુમલો કર્યો છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ગાઝા પર વિસ્ફોટક હુમલો કરવાનો આદેશ આપ્યો હતો. હમાસના વારંવારના હુમલાઓને કારણે તેમણે આ પગલું ભર્યું હતું. ટ્રમ્પે વિશ્વના ઘણા મોટા નેતાઓની સામે શાંતિ કરારમાં મધ્યસ્થી કરી હતી, પરંતુ હવે આ કરાર તૂટી ગયો છે.

મીડિયા અહેવાલ મુજબ, ઇઝરાયલી હુમલામાં અત્યાર સુધીમાં ૧૦૦ લોકો માર્યા ગયા છે. ઘણા લોકો ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઇઝરાયલ સંરક્ષણ પ્રધાન કાત્ઝે હમાસ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે તેણે ઇઝરાયલી સૈનિકો પર હુમલો કર્યો છે અને મૃત્યુ પામેલા બંધકોને પરત કરવાની શરતનું ઉલ્લંઘન કર્યું છે. બીજી તરફ હમાસે દાવો કર્યો છે કે તેણે કોઈ હુમલો કર્યો નથી કે શાંતિ કરાર તોડ્યો નથી.
ઇઝરાયલ અને હમાસ વચ્ચે શાંતિ કરાર કર્યો હતો
વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ ગુસ્સે છે. તેમણે હમાસ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું કે તેણે યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. નેતન્યાહૂએ એમ પણ કહ્યું કે હમાસ ટ્રમ્પના શાંતિ કરારનું પાલન કરી રહ્યું નથી. તેણે પહેલા ઇઝરાયલી બંધકોને પરત કરવાનો ઇનકાર કર્યો હતો અને પછી જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે બહાના બનાવવાનું શરૂ કર્યું.
અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઘણા પ્રયત્નો પછી ઇઝરાયલ અને હમાસ વચ્ચે શાંતિ કરાર કર્યો, પરંતુ હવે તેમના પ્રયાસો ઉલટા પડ્યા છે. ઇઝરાયલે હમાસ પર યુદ્ધવિરામનો ભંગ કરવાનો આરોપ લગાવ્યો, જ્યારે હમાસે તેનો સ્પષ્ટ ઇનકાર કર્યો. ટ્રમ્પે શાંતિ કરાર માટે ૧૦ મુખ્ય મુદ્દાઓ નક્કી કર્યા હતા, જેમાં બંધકોની મુક્તિનો પણ સમાવેશ થાય છે, પરંતુ હવે તેનો પણ અમલ થતો નથી.
 
				 
								