Last Updated on by Sampurna Samachar
બંને દેશોના રાષ્ટ્રપતિ અમેરિકામાં સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરશે
અઝરબૈજાન પાકિસ્તાનનો મિત્ર
(સંપૂર્ણ સમાચાર સેવા)
અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચે ૩૩ વર્ષથી ચાલી રહેલા તણાવનો અંત લાવવા માટે શાંતિ સમજૂતી થવા જઈ રહી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થીથી આ સમજૂતી થઈ રહી છે. આ માટે બંને દેશોના રાષ્ટ્રપતિ અમેરિકા પહોંચશે અને વોશિંગ્ટનમાં સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કરશે. ટ્રમ્પની યજમાનીમાં થનારી આ ડીલમાં તણાવ ઓછો કરીને શાંતિની દિશામાં આગળ વધવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવશે.
ટ્રમ્પ પોતે વ્હાઇટ હાઉસમાં અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવ અને આર્મેનિયાના વડાપ્રધાન નિકોલ પાશિનયાનની યજમાની કરશે. આર્મેનિયાને ભારત તરફથી મદદ મળતી રહી છે, જ્યારે અઝરબૈજાન પાકિસ્તાનનો મિત્ર છે.
પાકિસ્તાને ક્યારેય આર્મેનિયાને માન્યતા આપી નથી
‘મિડલ ઇસ્ટ આઇ‘એ આ મામલે જાણકાર સૂત્રોને ટાંકીને પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે, બંને દેશો વચ્ચે લાંબા સમયથી વાતચીત ચાલી રહી હતી. આખરે ટ્રમ્પની મધ્યસ્થીથી તેના પર સહમતિ બની છે. ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વાર પ્રમુખ બન્યા બાદ રશિયા-યુક્રેન અને હમાસ-ઇઝરાયલ યુદ્ધ રોકવાનો પણ પ્રયાસ કર્યો છે, પરંતુ તેમને સફળતા મળી નથી. આર્મેનિયા-અઝરબૈજાનમાં શાંતિ લાવવામાં તેમને સફળતા મળતી દેખાઈ રહી છે.
આ વર્ષે જુલાઈમાં અબુ ધાબીમાં બંને દેશોના નેતાઓ વચ્ચે બેઠક થઈ હતી. આ બેઠક પછી ઇલ્હામ અલીયેવએ કહ્યું હતું કે બંને દેશો થોડા મહિનામાં કરાર પર હસ્તાક્ષર કરી શકે છે. વોશિંગ્ટનમાં બંને નેતાઓ વચ્ચે શાંતિ કરારના મુસદ્દાને બદલે આશય પત્ર પર હસ્તાક્ષર થવાની શક્યતા છે. આનાથી ટ્રમ્પને એ રાજદ્વારી સફળતા મળશે.
આ વર્ષે માર્ચમાં આર્મેનિયા અને અઝરબૈજાન શાંતિ સમજૂતીના મુસદ્દા પર સહમત થયા હતા. પરંતુ પછીથી અઝરબૈજાનની કેટલીક માંગણીઓને કારણે વાત અટકી ગઈ. અઝરબૈજાનની મુખ્ય માંગ એ છે કે, આર્મેનિયા પોતાના બંધારણમાં સુધારો કરે અને તેમાંથી અઝરબૈજાનના વિસ્તાર ‘નાગોર્નો-કરાબાખ‘નો ઉલ્લેખ હટાવી દે. આ સિવાય કોરિડોરનો પણ મુદ્દો છે. અઝરબૈજાન ‘ઝાંજેઝુર કોરિડોર‘ ઈચ્છે છે, જે તેને તેના નખ્ચીવન નામના વિસ્તાર અને તુર્કી સાથે જાેડે છે.
આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચેના વિવાદનું મુખ્ય કારણ નાગોર્નો-કરાબાખ છે. આ એક એવો વિસ્તાર છે જે આંતરરાષ્ટ્રીય સ્તરે અઝરબૈજાનનો ભાગ ગણાય છે, પરંતુ ૧૯૯૩ના યુદ્ધમાં આર્મેનિયાના સૈનિકોએ તેના પર કબજો કરી લીધો હતો. સોવિયત યુનિયનના વિઘટન પછી આ વિસ્તાર એક જટિલ સંઘર્ષનું કેન્દ્ર બન્યો. ૨૦૧૬, ૨૦૨૦ અને ૨૦૨૩માં થયેલી અથડામણોએ આ સંઘર્ષને વધુ ભડકાવ્યો. ૨૦૨૦ના છ અઠવાડિયાના યુદ્ધ અને ૨૦૨૩ના સૈન્ય અભિયાનમાં અઝરબૈજાને નિર્ણાયક જીત મેળવી. ૨૦૨૪ની શરૂઆતમાં નાગોર્નો-કરાબાખનું શાસન ભંગ કરી દેવામાં આવ્યું.
આ સમગ્ર પરિસ્થિતિમાં ભારત અને પાકિસ્તાનની ભૂમિકા પણ ધ્યાનમાં લેવા જેવી છે. ભારતે હંમેશા આર્મેનિયા સાથે, ખાસ કરીને સંરક્ષણ ક્ષેત્રે સહયોગ જાળવી રાખ્યો છે. તાજેતરમાં, ભારતે આર્મેનિયાને પિનાકા રોકેટ લોન્ચર અને રડાર સિસ્ટમ પૂરી પાડી છે. બીજી તરફ, અઝરબૈજાન પાકિસ્તાનનો નજીકનો સહયોગી છે અને બંને દેશો અવારનવાર સંયુક્ત સૈન્ય અભ્યાસ પણ કરે છે.
પાકિસ્તાને ક્યારેય આર્મેનિયાને માન્યતા આપી નથી. ટ્રમ્પની આ પહેલમાં ભારત સીધો સામેલ નથી, પરંતુ ઈરાન, મધ્ય એશિયા અને યુરોપ સાથે તેના જોડાણના લક્ષ્યોને જોતાં એક સ્થિર કોકેશસ પ્રદેશ ભારત માટે વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ હોઈ શકે છે.