Last Updated on by Sampurna Samachar
અમેરિકા – ભારત વચ્ચે ચાલી રહી છે વેપાર મંત્રણા
આ જોગવાઈનો ઉદ્દેશ શાંતિ કરારને સમર્થન આપવાનો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકા અને ભારત વચ્ચે ચાલી રહેલી વેપાર મંત્રણા વચ્ચે ટ્રમ્પ સરકાર તરફથી ૫૦૦ ટકા ટેરિફ લાદવાની ચેતવણી મળી છે. ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટતંત્રના સેનેટર્સ લિન્ડેસે ગ્રેહામ અને રિચાર્ડ બ્લૂમેન્થલે રશિયા સાથે વેપાર કરતાં ભારત સહિત અન્ય દેશો પર ૫૦૦ ટકા ટેરિફ લાદવાની ચીમકી આપી છે.
રશિયા સાથે બિઝનેસ કરનારા દેશોની અર્થવ્યવસ્થાને હચમચાવી દેવા ર્નિણય લીધો છે. નોંધનીય છે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આગામી ૫૦ દિવસની અંદર યુક્રેન સાથે યુદ્ધ બંધ નહીં કરે તો રશિયા પર ૧૦૦ ટકાનો સેકેન્ડરી ટેરિફ લાદવાનું એલર્ટ આપ્યું હતું.
કોઈ બેવડું વલણ અપનાવવામાં આવશે નહીં
ગ્રેહામ અને બ્લૂમેન્થલના સંયુક્ત નિવેદન અનુસાર, રશિયા પાસેથી સસ્તા દરે ઓઈલ અને ગેસ ખરીદતાં ચીન, ભારત, બ્રાઝિલ સહિત અન્ય દેશો પર રશિયાની મદદ કરવા બદલ ૫૦૦ ટકા ટેરિફ લાદવામાં આવશે. આ યુદ્ધનો અંત લાવવા માટેનો અંતિમ હથોડો ચીન, ભારત અને બ્રાઝિલ જેવા દેશો સામે ટેરિફ લાદવાનો હશે. જેઓ સસ્તા દરે રશિયા પાસેથી ઓઈલ અને ગેસ ખરીદીને પુતિનના યુદ્ધ મશીનને ટેકો આપી રહ્યા છે.
જો આગામી ૫૦ દિવસમાં શાંતિ કરાર ન થાય તો રશિયા પાસેથી ખરીદી કરતાં દેશો પર ૧૦૦ ટકા સેકેન્ડરી ટેરિફ લાગુ કરવામાં આવશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પનો ર્નિણય પક્ષકારોને વાટાઘાટોના ટેબલ પર લાવવા માટે એક વાસ્તવિક કાર્યકારી માર્ગ છે. તેને મદદ કરતાં દેશો પર ઊંચો ટેરિફ લાદવાથી તે દેશોની અર્થવ્યવસ્થા ખોટવાશે, જેથી તેઓ પણ રશિયાને શાંતિ કરાર કરવા અપીલ કરશે. આ જોગવાઈનો ઉદ્દેશ ટેરિફ અને પ્રતિબંધો લાદવાનો નહીં, પણ શાંતિ કરારને સમર્થન આપવાનો છે.
NATO ચીફ સાથેની બેઠકમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે, તે રશિયાથી નારાજ છે. જો ૫૦ દિવસની અંદર શાંતિ કરાર કરવામાં નહીં આવે તો રશિયા પર ૧૦૦ ટકા ટેરિફ લાદવામાં આવશે. NATO ચીફે પણ ચીન, બ્રાઝિલ અને ભારતને ધમકી આપી હતી કે, રશિયા સાથે વેપાર વ્યવહાર બંધ કરો નહીં તો મસ મોટા ટેરિફનો સામનો કરવો પડશે.
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે આ મુદ્દે જવાબ આપ્યો હતો કે, ભારતીય એમ્બેસી અને એમ્બેસેડર રશિયા પર બિલ સંબંધિત બાબતે સેનેટર ગ્રેહામ સાથે સંપર્કમાં છે,
ભારત જાહેર હિતને ધ્યાનમાં લઈને ર્નિણય લેશે. NATO ની ધમકી પર સત્તાવાર જવાબ આપતાં વિદેશ સચિવ રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, અમે રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા પર સેકેન્ડરી પ્રતિબંધોના અનેક અહેવાલો જોયા છે. તેના પર અમે ફોકસ કરી રહ્યા છીએ.
હું સ્પષ્ટપણે કહીશ કે, અમારા નાગરિકોની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવી એ અમારા માટે હંમેશા પ્રાથમિકતા રહી છે. આ દિશામાં અમે માર્કેટમાં ઉપલબ્ધ વિકલ્પો અને વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખતાં ર્નિણયો લઈશું. આ મામલે કોઈ બેવડું વલણ અપનાવવામાં આવશે નહીં.