Last Updated on by Sampurna Samachar
ગ્રીનલેન્ડના PM જેન્સ ફ્રેડરિકે જુઓ શુ કહ્યું
ગ્રીનલેન્ડ કિંમતી ખનીજ પદાર્થોનો વિશાળ ભંડાર ધરાવે છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગ્રીનલેન્ડને અમેરિકાનો હિસ્સો બનાવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની આ જીદ પર અડગ છે. ડેનમાર્કના અર્ધ-સ્વાયત્ત પ્રદેશ એવા ગ્રીનલેન્ડને કોઈ પણ ભોગે હસ્તગત કરવા માટે ટ્રમ્પ અત્યારે પૂરજોશમાં પ્રયત્ન કરી રહ્યા છે. ટ્રમ્પની આ વિસ્તારવાદી નીતિને કારણે યુરોપિયન દેશોમાં ફફડાટ ફેલાયો છે.

ટ્રમ્પનું માનવું છે કે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ગ્રીનલેન્ડ પર કબજો મેળવવો અત્યંત અનિવાર્ય છે.આ મિશનને ગંભીરતાથી આગળ વધારવા માટે ટ્રમ્પે લુઇસિયાનાના ગવર્નર જેફ લેન્ડ્રીને ગ્રીનલેન્ડ માટે ‘વિશેષ દૂત‘ તરીકે નિયુક્ત કર્યા છે. લેન્ડ્રી પર આ આખા આઇલેન્ડને અમેરિકન વહીવટનો ભાગ બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. ટ્રમ્પના આ ર્નિણયની ડેનમાર્ક અને ગ્રીનલેન્ડ દ્વારા આકરી ટીકા કરવામાં આવી રહી છે.
અમેરિકા અને ડેનમાર્ક વચ્ચેના સબંધોમાં તણાવ આવવાની શક્યતા
ટ્રમ્પના દાવા પર નારાજગી વ્યક્ત કરતા ગ્રીનલેન્ડના PM જેન્સ ફ્રેડરિક નીલસને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ‘ગ્રીનલેન્ડ અહીંના લોકોનું છે. કોઈ બીજો દેશ આંતરરાષ્ટ્રીય સુરક્ષાનું બહાનું કાઢીને આના પર કબજો કરી શકે નહીં.‘ તેમણે ગ્રીનલેન્ડને ખરીદવાની કે હડપવાની વાતને સદંતર ફગાવી દીધી છે.
ગ્રીનલેન્ડ પર કબજો મેળવવા પાછળ ડોનાલ્ડ ટ્રમ્પે મુખ્યત્વે તેના વ્યૂહાત્મક સ્થાન અને અખૂટ કુદરતી સંસાધનોને જવાબદાર ગણાવ્યા છે. ટ્રમ્પના મતે, ગ્રીનલેન્ડની આસપાસ ચીની અને રશિયન જહાજોની વધતી જતી સક્રિયતા અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ખતરો છે, જેને રોકવા માટે અમેરિકા ત્યાં પોતાની આધુનિક ‘બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ‘ સ્થાપીને આ બંને શક્તિશાળી દેશોને સીધો પડકાર આપવા માંગે છે.
વધુમાં, ગ્રીનલેન્ડ કિંમતી ખનીજ પદાર્થોનો વિશાળ ભંડાર ધરાવે છે, જેના પર નિયંત્રણ મેળવીને અમેરિકા ખનીજ સંસાધનોના મામલે ચીન પરની પોતાની ર્નિભરતા ઘટાડવા ઉત્સુક છે. યુરોપ અને ઉત્તર અમેરિકાની બિલકુલ મધ્યમાં આવેલું હોવાથી, લશ્કરી અને ભૌગોલિક દ્રષ્ટિએ ગ્રીનલેન્ડનું લોકેશન અમેરિકા માટે અત્યંત મહત્ત્વનું સાબિત થઈ શકે તેમ છે.
ગ્રીનલેન્ડની ભૌગોલિક સ્થિતિ અને તેની વર્તમાન રાજકીય સ્થિતિને સમજવી ખૂબ જ જરૂરી છે. આશરે ૫૭,૦૦૦ની નાની વસ્તી ધરાવતા આ ટાપુને વર્ષ ૨૦૦૯માં સ્વતંત્ર જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ તે હજુ પણ સંપૂર્ણ રીતે સ્વાયત્ત રાષ્ટ્ર નથી. ગ્રીનલેન્ડ આજે પણ તેના સંરક્ષણ અને વિદેશી બાબતો માટે ડેનમાર્ક પર ર્નિભર છે.
એટલું જ નહીં, તેની અર્થવ્યવસ્થા પણ મોટાભાગે ડેનિશ સબસિડી એટલે કે આર્થિક મદદ પર ટકી છે. આવી સ્થિતિમાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગ્રીનલેન્ડને અમેરિકામાં ભેળવી દેવાની જાહેરાત બાદ, હવે આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા અને ડેનમાર્ક વચ્ચેના વર્ષો જૂના મૈત્રીપૂર્ણ સંબંધોમાં તણાવ આવવાની પૂરી શક્યતા વર્તાઈ રહી છે.