Last Updated on by Sampurna Samachar
જમીન સોંપવા દબાણ કરાયાનો ઝેલેન્સ્કીનો આક્ષેપ
હજુ સત્તાવાર રીતે પ્રકાશિત થઈ નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી શાંતિ વાટાઘાટોની ધીમી પ્રગતિથી અત્યંત નિરાશ છે. ટ્રમ્પના પ્રવક્તા કેરોલિન લેવિટે જણાવ્યું કે, ટ્રમ્પ આ યુદ્ધના બંને પક્ષોથી ખૂબ જ નિરાશ છે. તે હવે વધુ વાતચીત નહીં, પરંતુ એક્શન ઇચ્છે છે અને ઇચ્છે છે કે આ સંઘર્ષનો તાત્કાલિક અંત આવે.

આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે યુક્રેનની રાજધાની કીવે આક્ષેપ કર્યો છે કે, વૉશિંગ્ટન તેના ચાર વર્ષ જૂના શાંતિ પ્લાન હેઠળ યુક્રેન પર તેના મોટા વિસ્તારો રશિયાને સોંપી દેવા માટે સતત દબાણ કરી રહ્યું છે.
ટ્રમ્પનો આ પ્લાન રશિયા માટે ફાયદાકારક
યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીએ આપેલા નિવેદનો પરથી એવું લાગી રહ્યું છે કે, ગયા મહિને કીવ અને મોસ્કોને ૨૮-પોઇન્ટનો શાંતિ પ્લાન મોકલ્યા પછી પણ વૉશિંગ્ટનની સ્થિતિમાં બહુ ઓછો ફેરફાર આવ્યો છે. જોકે, ટ્રમ્પનો આ પ્લાન રશિયા માટે ફાયદાકારક ગણવામાં આવી રહ્યો છે.
પત્રકારો સાથેની વાતચીતમાં ઝેલેન્સ્કીએ જણાવ્યું કે, વૉશિંગ્ટન હજુ પણ યુક્રેનને તેની જમીન રશિયાને સોંપી દેવા માટે દબાણ કરી રહ્યું છે. ઝેલેન્સ્કીએ વધુમાં સ્પષ્ટતા કરી કે, વૉશિંગ્ટન માત્ર યુક્રેન જ પૂર્વીય ડોનેત્સ્કના વિસ્તારના અમુક ભાગોમાંથી તેની સેના પાછી ખેંચે તેમ ઈચ્છે છે, જ્યારે રશિયાને સેના હટાવવા માટે કહેવામાં આવ્યું નથી.
અમેરિકન પ્લાન સૂચવે છે કે એક ડિમિલિટરાઇઝ્ડ ફ્રી ઇકોનોમિક ઝોન બનાવવામાં આવશે જે બંને સેનાઓ વચ્ચે બફર તરીકે કામ કરશે. આ પ્લાન હેઠળ મોસ્કો તે વિસ્તારમાં તેની સ્થિતિ જાળવી રાખશે. અહેવાલ મુજબ, યુક્રેન હવે અમેરિકાના મૂળ પ્રસ્તાવમાં ફેરફારો કરી રહ્યું છે અને આ અઠવાડિયે તેણે વૉશિંગ્ટનને ૨૦-પોઇન્ટનો જવાબી પ્રસ્તાવ પણ મોકલ્યો છે.
જોકે, તેની સંપૂર્ણ વિગતો હજુ સત્તાવાર રીતે પ્રકાશિત થઈ નથી. ઝેલેન્સ્કીએ રિપોર્ટર્સ સાથેની બ્રીફિંગમાં જણાવ્યું કે, અસહમતિના બે મુખ્ય મુદ્દાઓ છે, જેના પર સતત ચર્ચા ચાલી રહી છે: ડોનેત્સ્કના વિસ્તારો અને તે સંબંધિત તમામ બાબતો, તેમજ ઝાપોરિઝિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ.