Last Updated on by Sampurna Samachar
સમગ્ર ઘટનામાં કતારની ભૂમિકા પણ મહત્વપૂર્ણ
ટ્રમ્પે ઇરાન – ઇઝરાયેલ બંનેની કરી ટીકા
(સંપૂર્ણ સમાચાર સેવા)
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ઈરાન-ઈઝરાયલ સંઘર્ષ વચ્ચે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું એક મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે કહ્યું કે, ઈરાન અને ઇઝરાયેલ બંનેએ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. તેમણે ખાસ કરીને ઇઝરાયેલની ટીકા કરતા કહ્યું કે, યુદ્ધવિરામ પછી તરત જ તેણે આટલો મોટો હુમલો ન કરવો જોઈતો હતો.
ટ્રમ્પે કડક શબ્દોમાં કહ્યું કે, “ઈઝરાયેલ, બોમ્બ ન ફેંકો. જો તમે આવું કરો છો, તો તે એક મોટું ઉલ્લંઘન છે. તમારા પાઇલટ્સને તાત્કાલિક ઘરે પાછા બોલાવો.” ટ્રમ્પે કહ્યું કે, “મને ગમ્યું નહીં કે, યુદ્ધવિરામ પર સંમત થયા પછી ઇઝરાયેલે તરત જ હુમલો કર્યો.”
ટ્રમ્પ અને કતારના અમીર વચ્ચેની વાતચીત
ટ્રમ્પનું નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે ઇઝરાયેલે અગાઉ આરોપ લગાવ્યો હતો કે, ઈરાન યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરે છે, પરંતુ ઈરાને આ આરોપોને ફગાવી દીધા હતા. યુએસ પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે, ઈરાન ક્યારેય તેનો પરમાણુ કાર્યક્રમ ફરી શરૂ કરશે નહીં. તેમણે કહ્યું કે, તેઓ ઈરાનથી ખુશ નથી, અને તેઓ ઈઝરાયલથી પણ ખૂબ નાખુશ છે.
ઈરાન કહે છે કે, જ્યારે બીર શેવા શહેર પર હુમલો થયો, ત્યારે તેણે છેલ્લી મિસાઈલ છોડી હતી અને આ યુદ્ધવિરામની જાહેરાત પહેલાની ઘટના હતી. ઈરાની પક્ષે તેને સ્વ-બચાવ પગલું ગણાવ્યું હતું અને યુદ્ધવિરામની શરતોનું ઉલ્લંઘન કરવાનો ઇનકાર કર્યો હતો. આ સમગ્ર ઘટનામાં કતારની ભૂમિકા પણ મહત્વપૂર્ણ હતી.
અહેવાલ મુજબ, રાષ્ટ્રપતિ ટ્રમ્પે કતારના અમીર સાથે ફોન પર વાત કરી હતી અને તેમને યુએસ સમર્થિત યુદ્ધવિરામ પ્રસ્તાવ સ્વીકારવા માટે ઈરાનને સમજાવવા વિનંતી કરી હતી. આ કોલ પછી, કતારના વડા પ્રધાને પહેલ કરી અને ઈરાનને આ પ્રસ્તાવ પર સંમત થવા માટે સમજાવ્યા હતા.
એક યુએસ અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે, “કતારના અમીરે ઈરાનને યુએસ સમર્થિત યુદ્ધવિરામ પ્રસ્તાવ પર સંમત થવા માટે મનાવ્યું હતું. ટ્રમ્પ અને કતારના અમીર વચ્ચેની વાતચીત પછી આ પહેલ કરવામાં આવી હતી.” આ સ્પષ્ટ કરે છે કે, કતારે પ્રદેશમાં શાંતિ સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ મધ્યસ્થી ભૂમિકા ભજવી હતી.
આ યુદ્ધવિરામ એવા સમયે થયો, જ્યારે છેલ્લા કેટલાક દિવસોથી ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તીવ્ર હુમલાઓ થઈ રહ્યા હતા, જેમાં બંને પક્ષોએ એકબીજાના લશ્કરી અને વ્યૂહાત્મક ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. અમેરિકા દ્વારા તાજેતરના બોમ્બમારા હુમલાઓ પછી તણાવ વધુ વધી ગયો હતો. હવે, જ્યારે યુદ્ધવિરામ અમલમાં આવ્યો છે, ત્યારે તેના પરનો વિવાદ પણ એટલો જ તીવ્ર છે. ટ્રમ્પના નિવેદનથી ઇઝરાયેલની લશ્કરી કાર્યવાહી અંગે આંતરરાષ્ટ્રીય સ્તરે એક નવી ચર્ચા શરૂ થઈ છે.