Last Updated on by Sampurna Samachar
પુતિનની શરત માની લો નહીંતર રશિયા તબાહ કરી નાખશે
યુદ્ધ નહીં, પરંતુ એક ખાસ અભિયાન
(સંપૂર્ણ સમાચાર સેવા)
US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી ૧૭ ઓક્ટોબરના રોજ વ્હાઇટ હાઉસ ખાતે મળ્યા હતા. આ બેઠક અત્યંત તણાવપૂર્ણ હતી. અહેવાલ મુજબ, સૂત્રોએ જણાવ્યું હતું કે, બેઠક ક્યારેક “તીવ્ર અને આક્રમક ભાષા” માં ફેરવાઈ ગઈ, જેમાં ટ્રમ્પે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનના નિવેદનોનું લગભગ શબ્દશ: પુનરાવર્તન કર્યું હતું.
અહેવાલો અનુસાર, ટ્રમ્પે ઝેલેન્સકીને કહ્યું હતું કે, જો યુક્રેન રશિયા સાથે કરાર નહીં કરે, તો “પુતિન તમને તબાહ કરી દેશે.” તેમણે યુક્રેનના યુદ્ધ નકશા બાજુ પર ફેંકતા કહ્યું કે, “આ લાલ રેખા શું છે? મને ખબર નથી કે આ સ્થાન ક્યાં છે.”
ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સે ઝેલેન્સકીને ઠપકો
ટ્રમ્પે યુક્રેનને સમગ્ર ડોનબાસ પ્રદેશ રશિયાને સોંપવાની સલાહ આપતા કહ્યું કે, “પુતિનને કંઈક તો મળશે જ, તેમણે અમુક પ્રદેશ જીતી લીધો છે.” સૂત્રોએ જણાવ્યું હતું કે, ટ્રમ્પ પુતિનને વાત જ કહી રહ્યા હતા.. યુરોપિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટ્રમ્પે બેઠક દરમિયાન વારંવાર કહ્યું હતું કે, પુતિને તેમને કહ્યું હતું કે, આ “યુદ્ધ નહીં, પરંતુ એક ખાસ અભિયાન” છે.
ટ્રમ્પે ઝેલેન્સકીને કહ્યું હતું કે, તેમણે હવે એક સોદો કરવો જોઈએ, નહીં તો બધું સમાપ્ત થઈ જશે. બેઠકમાં હાજર રહેલા એક યુરોપિયન અધિકારીએ કહ્યું કે, “ટ્રમ્પ પુતિને તેમને એક દિવસ પહેલા ફોન પર જે કહ્યું હતું તે જ વાત કરી રહ્યા હતા.”
યુક્રેનિયન પ્રતિનિધિમંડળ આ બેઠકમાં યુનાઇટેડ સ્ટેટ્સ પાસેથી લાંબા અંતરની ટોમાહોક ક્રુઝ મિસાઇલોની વિનંતી કરવા માટે આવ્યું હતું, પરંતુ ટ્રમ્પે આ ઓફરને નકારી કાઢી, યુક્રેનને બીજાે ઝટકો આપ્યો હતો. આનાથી યુક્રેનની હતાશામાં વધુ વધારો થયો હતો.
અહેવાલો અનુસાર, બેઠક દરમિયાન, ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સે ઝેલેન્સકીને ઠપકો આપતા કહ્યું કે, તેઓ યુનાઇટેડ સ્ટેટ્સ પ્રત્યે પૂરતી કૃતજ્ઞતા દર્શાવી રહ્યા નથી. આ દર્શાવે છે કે, ટ્રમ્પ જાહેરમાં એક વાત કહે છે અને ખાનગીમાં બીજી વાત. થોડા દિવસો પહેલા, તેઓ રશિયાને યુક્રેનને ટોમાહોક મિસાઇલો પૂરી પાડવાની શક્યતા સાથે ધમકી આપી રહ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પુતિને ટ્રમ્પ સમક્ષ એક નવો પ્રસ્તાવ મૂક્યો છે, જેમાં યુક્રેન ડોનબાસ પ્રદેશ રશિયાને સોંપી દે, જેના બદલામાં રશિયા ખેરસન અને ઝાપોરિઝિયાના કેટલાક ભાગો યુક્રેનને સોંપી દેશે. જોકે, યુક્રેનિયન સાંસદ ઓલેક્ઝાન્ડર મેરિઝકોએ કહ્યું કે, “લડાઈ વિના ડોનબાસ છોડી દેવું આપણા સમાજ માટે અસ્વીકાર્ય છે. આ આપણી એકતાને તોડવાની રશિયન યુક્તિ છે.”