Last Updated on by Sampurna Samachar
ભારતની કંપનીઓને મોટો ફટકો
વિદેશથી દવાઓનું ઉત્પાદન પાછું અમેરિકા લાવવાનો ઉદ્દેશ્ય
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આયાત થતી દવાઓ પર ૨૦૦% કે તેથી વધુનો ટેરિફ લગાવવાની યોજના બનાવી છે. તેમનો ઉદ્દેશ્ય વિદેશથી દવાઓનું ઉત્પાદન પાછું અમેરિકા લાવવાનો છે. જોકે, તેમણે કંપનીઓને તૈયારીનો સમય આપવા માટે આ ટેરિફ લાગુ કરવામાં લગભગ એકથી દોઢ વર્ષનો વિલંબ કરવાની વાત પણ કહી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જો અમેરિકા આયાત પર ટેરિફ લગાવશે તો ભારતને અસર થઈ શકે છે. ભારત જેનરિક દવાઓનો મુખ્ય નિકાસકાર હોવાથી, ભારતીય દવા ઉત્પાદકોને નુકસાન થઈ શકે છે અને તેમની નિકાસ પર અસર પડી શકે છે. જોકે, કેટલાક અહેવાલો સૂચવે છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર મુખ્યત્વે ચીનથી આયાત થતી દવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
ઓછો નફો ધરાવતી જેનરિક દવાઓ પર વધુ અસર થશે
ટ્રમ્પનો મુખ્ય હેતુ ફાર્મા કંપનીઓને અમેરિકામાં ઉત્પાદન કરવા દબાણ લાવવાનો છે, જેના પર કોઈ ટેરિફ લાગશે નહીં. આ નીતિના કારણે જોન્સન એન્ડ જોન્સન અને રોશ જેવી મોટી કંપનીઓએ પહેલેથી જ અમેરિકામાં રોકાણ વધારવાની જાહેરાત કરી છે.
નિષ્ણાતો માને છે કે ટ્રમ્પના ઊંચા ટેરિફથી દવાઓ મોંઘી થશે અને તેની અછત સર્જાઈ શકે છે. આનાથી ખાસ કરીને ઓછો નફો ધરાવતી જેનરિક દવાઓ પર વધુ અસર થશે. વિશ્લેષકોના અંદાજ મુજબ, ફક્ત ૨૫% ટેરિફ પણ અમેરિકામાં દવાઓનો ખર્ચ ૫૧ અબજ ડોલર સુધી વધારી શકે છે.
દવા કંપનીઓ અને ઉદ્યોગોએ આ પગલાની ટીકા કરી છે, કારણ કે તેમને ભય છે કે ટેરિફ ઇશ્ડ્ઢ અને નવીનતાને નુકસાન પહોંચાડશે. જોકે, કેટલાક રોકાણકારો અને વિશ્લેષકો માને છે કે ૨૦૦% ટેરિફ ખરેખર લાગુ નહીં થાય, પરંતુ તે માત્ર એક વાટાઘાટોની યુક્તિ હોઈ શકે છે.