Last Updated on by Sampurna Samachar
ઇઝરાયલ અને હમાસનું યુદ્ધ ખતમ થઈ ગયું
ડોનાલ્ડ ટ્રમ્પે ફરી કર્યો દાવો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાના રાષ્ટ્રપતિને નોબેલ શાંતિ પુરસ્કાર ન મળતાં ઝટકો લાગ્યો, તેમ છતાં તેઓ ભારત-પાકિસ્તાન સીઝફાયરની ક્રેડિટ લેવાની વાત છોડી રહ્યાં નથી. ટ્રમ્પે ફરી દાવો કર્યો કે તેમણે ટેરિફની ધમકી આપી દુનિયામાં ઘણા યુદ્ધ અટકાવ્યા છે. ટ્રમ્પે ઇઝરાયલ રવાના થતાં પહેલા કહ્યું કે અમે બધાને ખુશ કરીશું, ઇઝરાયલ અને હમાસનું યુદ્ધ ખતમ થઈ ગયું છે.
અહેવાલ મુજબ, ટ્રમ્પે એરફોર્સ વન પર પત્રકારો સાથે વાત કરતા કહ્યું, “ઇઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે, અને મારું માનવું છે કે યુદ્ધવિરામ કરાર ચાલુ રહેશે. તેના માટે ઘણા કારણો છે, પરંતુ મને લાગે છે કે લોકો તેનાથી કંટાળી ગયા છે.”
હું તમારા બંને પર ૧૦૦, ૧૫૦ કે ૨૦૦ ટકા ટેરિફ લગાવીશ
તેમણે ઉમેર્યું, “અમે બધાને ખુશ કરીશું, પછી ભલે તે યહૂદીઓ હોય, મુસ્લિમો હોય કે આરબ દેશો. ઇઝરાયલ પછી, અમે ઇજિપ્ત જઈશું અને બધા શક્તિશાળી અને મુખ્ય દેશોના નેતાઓ સાથે મળીશું. તેઓ બધા આ કરારનો ભાગ છે.”
ટ્રમ્પે પાકિસ્તાન-અફઘાનિસ્તાન યુદ્ધનો પણ જવાબ આપ્યો. તેમણે કહ્યું, “આ મારું આઠમું યુદ્ધ હશે જે મેં બંધ કર્યું છે. મેં સાંભળ્યું છે કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે પણ એક યુદ્ધ ચાલી રહ્યું છે, પરંતુ મારે રાહ જોવી પડશે. હું બીજું યુદ્ધ સમાપ્ત કરી રહ્યો છું. હું યુદ્ધો રોકવામાં નિષ્ણાત છું.
મેં ઘણા વર્ષોથી ચાલી રહેલા યુદ્ધો બંધ કર્યા છે, જેમાં ૩૧ વર્ષથી ચાલી રહેલ એક યુદ્ધનો પણ સમાવેશ થાય છે.”ટ્રમ્પને નોબેલ પુરસ્કાર મળી શક્યો નથી. પરંતુ તેઓ તેનો ઉલ્લેખ કરતા ખુદને રોકી શક્યા નહીં, ટ્રમ્પે કહ્યુ, ‘મેં લાખો લોકોના જીવ બચાવ્યા.
પરંતુ મેં આ નોબેલ પુરસ્કાર માટે નથી કર્યું. મેં લોકોના જીવ બચાવવા માટે યુદ્ધ અટકાવ્યા છે.‘ અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યુ, ‘મેં યુદ્ધ માત્ર ટેરિફના દમ પર અટકાવ્યા. ઉદાહરણ માટે ભારત પાકિસ્તાન યુદ્ધ. મેં કહ્યું કે જો તમે લડવા ઈચ્છો તો લડો. તમારી પાસે પરમાણુ હથિયાર છે. હું તમારા બંને પર ૧૦૦, ૧૫૦ કે ૨૦૦ ટકા ટેરિફ લગાવીશ. મેં આ મામલો ૨૪ કલાકમાં હલ કરી દીધો.‘