Last Updated on by Sampurna Samachar
તમામ બંધકોને એક સાથે જ મુક્ત કરવા જોઈએ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પેલેસ્ટાઈનના ઉગ્રવાદી સંગઠન હમાસને આકરી ધમકી આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, હમાસ ઈઝરાયેલના અપહરણ કરાયેલા નાગરિકોને છોડશે નહીં તો ગાઝામાં બધુંય બરબાદ થઈ જશે. આ સાથે, ટ્રમ્પે કહ્યું કે તમામ બંધકોને છોડાશે નહીં તો મને લાગે છે કે સીઝફાયરની સમજૂતિનો કરાર રદ કરી દેવો જોઈએ.
જોકે ટ્રમ્પે મીડિયા સમક્ષ કહ્યું કે, સીઝફાયર ચાલુ રાખવો કે બંધ કરવો એ ર્નિણય ઈઝરાયેલે લેવાનો છે. પરંતુ બાકીના તમામ બંધકોને એક સાથે જ મુક્ત કરવા જોઈએ, નહીં કે ત્રણ-ચાર જૂથમાં. અમે તમામ બંધકોને એક સાથે મુક્ત કરવામાં આવે તેમ ઈચ્છીએ છીએ. હું આ વાત ફક્ત મારા તરફથી કહી રહ્યો છું.
ટ્રમ્પનું કહેવું છે કે સમયમર્યાદાને લઈને એ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે વાતચીત કરશે. જોકે, આ અંગે વધુ માહિતી આપી નથી. હમાસ ખુદે સમજી જશે કે હું શું કહેવા ઈચ્છું છું. આ પહેલા ટ્રમ્પે ગાઝા પર કબજો કરીને ત્યાં સિટી રિસોર્ટ બનાવવાની વાત કહી છે. ત્યારે ટ્રમ્પે કહ્યું હતું કે પેલેસ્ટાઈનના લોકોને ગાઝામાંથી વિસ્થાપિત કરીને જોર્ડન અને ઈજીપ્તમાં વસાવવા જોઈએ. જોકે, જોર્ડન અને ઈજીપ્ત બંને ટ્રમ્પના આ પ્લાનનો વિરોધ કર્યો હતો.