Last Updated on by Sampurna Samachar
અમેરિકાના પ્રતિબંધોમાંથી છ મહિના માટે મુક્તિ મળી
ઈરાન સાથે ૧૦ વર્ષનો કરાર કર્યો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
રશિયામાં ક્રૂડ ઓઇલના કારણે ભારત અને અમેરિકાના સંબંધોમાં પડેલી તિરાડ હવે દૂર થતી જોવા મળી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને મોટી રાહત આપી છે. વિદેશ મંત્રાલયે જાહેરાત કરી છે કે, અમેરિકાએ ઈરાનમાં ચાબહાર બંદર પ્રોજેક્ટ માટે પ્રતિબંધોમાંથી મળતી છૂટ લંબાવી છે. ભારતને ચાબહાર બંદર પર અમેરિકાના પ્રતિબંધોમાંથી છ મહિના માટે મુક્તિ મળી છે.

ચાબહાર બંદર પર અમેરિકા દ્વારા મળતી છૂટ ૨૭ ઑક્ટોબરના રોજ સમાપ્ત થઈ હતી. ભારતે ચાબહાર બંદરનું સંચાલન કરવા માટે ઈરાન સાથે ૧૦ વર્ષનો કરાર કર્યો હતો. જેના વિકાસ માટે ભારતે ભારે રોકાણ કર્યું છે. ભારતે મે, ૨૦૨૪માં ઈરાન સાથે ૧૦ વર્ષનો કરાર કર્યો હતો, જેના હેઠળ ઇન્ડિયન પોર્ટ્સ ગ્લોબલ લિમિટેડએ શાહિદ બેહેશ્તી ટર્મિનલનું સંચાલન સંભાળ્યું હતું. આ પહેલી વાર હતું. જ્યારે ભારતે કોઈ વિદેશી બંદરનું સંચાલન સંભાળ્યું હોય. અગાઉ, ૨૦૧૬ના કરારને રિન્યુ કરવામાં આવ્યો હતો.
ચાબહાર બંદર ભારત માટે મહત્ત્વપૂર્ણ
ચાબહાર બંદર ભારત માટે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તે પાકિસ્તાનને બાયપાસ કરીને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાને સીધો વેપાર માર્ગ પૂરો પાડે છે. ભારતે ૨૦૦૩માં આંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ પરિવહન કોરિડોર દ્વારા પ્રાદેશિક જોડાણને મજબૂત બનાવવા માટે આ પ્રોજેક્ટનો પ્રસ્તાવ મૂક્યો હતો.
 
				 
								