મદદ જોઈતી જ હોય તો અમેરિકાનું એક રાજ્ય બની જાય કેનેડા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શપથ ગ્રહણ કર્યા પહેલાં જ આકરા વલણોથી સૌ કોઈને હતપ્રભ કરી રહ્યા છે. ટ્રમ્પે અમેરિકાના બે પાડોશી દેશોને સુધરી જવાની ચેતવણી આપવાની સાથે એક ઓફર પણ આપી રહ્યા છે. ટ્રમ્પે જાહેરાત કરી હતી કે, અમેરિકા તેના બે પાડોશી દેશો કેનેડા અને મેક્સિકોને અનુક્રમે ૧૦૦ અબજ ડોલર અને ૩૦૦ અબજ ડોલરની સબસિડી આપી રહ્યું છે.
આ બંને દેશોની સ્થિતિને જોતાં તેમણે અમેરિકાનો હિસ્સો બની જવું જોઈએ. વધુમાં ચેતવણી પણ આપી હતી કે, ‘જો કેનેડા અને મેક્સિકો તેમના સંબંધિત પ્રદેશોમાંથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના પ્રવાહને અમેરિકામાં પ્રવેશતાં અટકાવવામાં આવશે નહીં, તો તે બંને દેશો પર ભારે ટેરિફ લાદશે.’
ટ્રમ્પે ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, ‘કેનેડાને દર વર્ષે ૧૦૦ અબજ ડોલરથી વધુની સબસિડી આપીએ છીએ. અમે મેક્સિકોને અંદાજે ૩૦૦ અબજ ડોલર જેટલી સબસિડી આપી રહ્યા છીએ. જો આમ જ ચાલતું રહેવાનું હોય તો આ બંને દેશોએ અમેરિકાનો હિસ્સો બની જવુ જોઈએ. શા માટે આપણે આ દેશોને સબસિડી આપીએ છીએ? જો આપણે જ આ દેશોને આર્થિક સહાય કરી રહ્યા છીએ, તો તેઓએ અમેરિકાનું એક રાજ્ય બની જવુ જોઈએ.’
અમેરિકામાં પાંચ નવેમ્બરે રાષ્ટ્રપતિ ચૂંટણી જીત્યા બાદ ટ્રમ્પનો આ પ્રથમ ઈન્ટરવ્યૂ હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ‘અમે વિશ્વના અનેક દેશઓને સબસિડી આપી રહ્યા છીએ. હું બસ એટલું જ કહેવા માગું છું કે, તમામને સમાન, તીવ્ર, અને નિષ્પક્ષ તકો મળે. ટેરિફથી અમેરિકાને કોઈ નુકસાન નહીં થાય. આપણી અર્થવ્યવસ્થા મજબૂત છે. હું યુદ્ધનો જવાબ ટેરિફ મારફત આપવા માગું છું. તમે લડવા માગો છો, તો લડો પણ અમેરિકાને ૧૦૦ ટકા ડ્યૂટી ચૂકવો. જો તમે યોગ્ય રીતે ડ્યુટીનો ઉપયોગ કર્યો તો તે હિતકારી છે.’
કેનેડાના વડાપ્રધાન ટ્રૂડોએ હાલમાં જ અમેરિકાના નવા રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પને મળ્યા હતાં. આ મુલાકાત અંગે ટ્રમ્પે કહ્યું કે, ‘જો તમે તમારી સરહદ પરથી અમારા દેશમાં લાખો લોકોની ગેરકાયદે ઘૂસણખોરી ન અટકાવી તો અમે તમારી ઉપર ૨૫ ટકા ટેરિફ લાદીશું. મેક્સિકોના રાષ્ટ્રપતિને પણ આ જ ચેતવણી આપી છે.’