Last Updated on by Sampurna Samachar
FBI એજન્ટ્સ પણ ઈમિગ્રન્ટ્સની ધરપકડ કરી શકે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઈલીગલ ઈમિગ્રન્ટ્સ પર સકંજો કસવાનું શરૂ કરી દીધું છે. પોતાના માસ ડિપોર્ટેશનના પ્લાનને સફળ બનાવવા માટે તેમણે હવે ફેડરલ એજન્સીઓને પણ ઈમિગ્રેશન ઓફિસર જેવો જ પાવર આપી દીધો છે. જે એજન્સીઓને તેમણે આ પાવર આપ્યા છે, તેમાં ડ્રગ્સ ઈન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશન, ધ બ્યુરો ઓફ આલ્કોહોલ, ટોબેકો, ફાયરઆર્મ્સ એન્ડ એક્સપ્લોઝિવ્સ અને ધ યુએસ માર્સલ્સ સર્વિસનો સમાવેશ થાય છે.
અત્યાર સુધી ATF અને DEA ઈમિગ્રેશન કેસમાં ત્યારે જ ઈન્વોલ્વ થતા હતા કે જ્યારે તે ગન અને ડ્રગ ટ્રાફિકિંગનો મામલો હોય. ઉલ્લેખનીય છે કે, FBI એજન્ટ્સ પણ ઈમિગ્રન્ટ્સની ધરપકડ કરી શકે છે, પણ સામાન્ય રીતે તેઓ રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો ન હોય તો તેમ કરવાથી દૂર રહે છે.
એટલું જ નહીં, ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન દ્વારા જ્યારે ઈમિગ્રન્ટ્સ પર રેડ પાડવામાં આવે ત્યારે અડચણ રૂપ બની શકે તેમ લાગતા હોય તેવા રાજ્યો અને સ્થાનિક અધિકારીઓની તપાસ કરવાનો આદેશ પણ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ફેડરલ પ્રોસિક્યુટર્સને આપ્યો છે. જસ્ટિસ ડિપાર્ટમેન્ટે કહ્યું કે, ઈલીગલ ઈમિગ્રન્ટ્સના ડિપોર્ટેશનમાં અડચણ ઊભી કરનારાને ક્રિમિનલ ચાર્જનો સામનો કરવો પડી શકે છે.
આ પહેલા ટ્રમ્પ પોતાના માસ ડિપોર્ટેશનના પ્લાનને આગળ ધપાવવા મક્કમ હોવાનો સંકેત આપતા ICE ના એજન્ટ્સને કોઈપણ જગ્યાએ રેડ પાડવાની મંજૂરી આપી ચૂક્યા છે. બાઈડનના સમયમાં ચર્ચ અને સ્કૂલ જેવી સંવેદનશીલ જગ્યાઓ પર કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવાની મનાઈ હતી, પરંતુ ટ્રમ્પે હવે આ પ્રતિબંધ ઉઠાવી લીધો છે.
જેથી હવે અમેરિકામાં ઈલીગલી રહેતા લોકો ધરપકડથી બચવા ચર્ચ અને સ્કૂલોમાં છૂપાઈને બચી શકશે નહીં. આ ઉપરાંત ટ્રમ્પે પ્રમુખ પદ સંભાળ્યાના ત્રીજા દિવસે મેક્સિકો બોર્ડર પરથી થતી ઘુસણખોરીને સંપૂર્ણ બંધ કરવા માટે અને ડિપોર્ટેશનને પ્લાનને આગળ વધારવા માટે વઘુ કેટલાક એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ પર સહી કરી છે.
આ ઓર્ડરમાં ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીને અમેરિકાની દક્ષિણ સરહદથી ઘુસણખોરીને રોકવા જે કરવું પડે તે કરવા કહેવાયું છે. તેમજ ગત મંગળવારે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને યુએસ ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટને એ બાબતની મંજૂરી આપી હતી કે તે છેલ્લા બે વર્ષમાં ડોક્યુમેન્ટ્સ વિના અમેરિકામાં પ્રવેશેલા ઈમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરી શકશે અને તેના માટે તેણે કોઈ કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થવાની જરૂર નહીં પડે.
બાઈડન સરકારે જે લોકો અસાયલમ માટે ક્વોલિફાય ન હોય તેમને બને તેટલા જલદી અમેરિકાથી બહાર કરવાની નીતિ અપનાવી હતી, પરંતુ ટ્રમ્પ ઈચ્છે છે કે, આવા લોકોને તાત્કાલિક હાંકી કાઢવામાં આવે. હાલમાં અમેરિકાની કોર્ટોમાં ઈમિગ્રેશનને લગતા ૩ મિલિયન જેટલા કેસોનો ભરાવો છે, ત્યારે આ નવા આદેશથી ઈમિગ્રેશન કોર્ટોને બાયપાસ કરીને ઈમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરી શકાશે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં ગેરકાયદે વસતા ભારતીયોની સંખ્યા લગભગ ૭.૨૫ લાખ જેટલી છે, જેમના પર ડિપોર્ટેશનની તલવાર લટકી રહી છે. જાેકે, જે મુજબ કહેવાઈ રહ્યું હતું કે, ટ્રમ્પ સત્તામાં આવતાની સાથે જ માસ ડિપોર્ટેશન શરૂ થઈ જશે, તેવું થયું નથી. પરંતુ ડિપોર્ટેશનની કાર્યવાહી ગમે ત્યારે શરૂ થઈ શકે છે. શિકાગો જેવા રાજ્યો કે જ્યાં સૌથી વધુ ઈલીગલ ઈમિગ્રન્ટ્સ રહે છે, ત્યાં તો ટ્રમ્પ સત્તામાં આવ્યા ત્યારથી જ મેટ્રો અને બસમાં ભીડ ઘટી ગઈ છે, કેમકે પકડાઈ જવાની બીકે ગેરકાયદે રહેતા લોકો ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે. આગામી દિવસોમાં અમેરિકાના અન્ય કેટલાક રાજ્યોમાં પણ આવી જ સ્થિતિ જાેવા મળી શકે છે.
ટ્રમ્પના સત્તામાં આવતાની સાથે જ અમેરિકામાં ગેરકાયદે રહેતા લોકોમાં ફફડાટ ફેલાયેલો જાેવા મળી રહ્યો છે અને અમેરિકામાં તેમનું ભવિષ્ય અંધકારમય લાગી રહ્યું છે. આવતીકાલે શું થશે તેવા ભયમાં આ લોકો રાત્રે ઊંઘી પણ શકતા નથી અને ભારતમાં રહેતા તેમના પરિવારજનો પણ ચિંતિત છે. કરોડો રૂપિયાનું દેવું કરીને એક-બે વર્ષ પહેલા જ ગેરકાયદે અમેરિકા ગયેલા લોકોને હવે એ ચિંતા સતાવી રહી છે કે, જો ભારત પાછા જવું પડ્યું તો દેવું ચૂકતે કઈ રીતે કરીશું. જે લોકો વર્ષોથી ત્યાં ગેરકાયદે રહે છે, તેમણે તો સારા એવા રૂપિયા કમાઈ લીધા છે, પરંતુ તેમને પણ જો ડિપોર્ટ કરવામાં આવશે તો ભારતમાં આવીને શું કામ કરીશું તેની મૂઝવણમાં છે.