Last Updated on by Sampurna Samachar
અકસ્માતમાં આશરે ૨૨ મજૂરોના મોતની માહિતી
અકસ્માત ખતરનાક રસ્તા પર થયો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અરુણાચલ પ્રદેશના અંજાવ જિલ્લામાં એક ભયાનક દુર્ઘટનાના સમાચાર મળ્યા હતા. જેમાં મજૂરોને લઈ જતી એક ટ્રક ખતરનાક પહાડી રસ્તા પરથી લપસી ગઈ અને હજારો ફૂટ ઊંડા કોતરમાં પડી ગઈ. આ અકસ્માતમાં આશરે ૨૨ મજૂરોના મોત થયા, જ્યારે અત્યાર સુધી ફક્ત એક જ વ્યક્તિને જીવતો બચાવી શકાયો છે.

આ અકસ્માત હેલાંગ-ચાગલાઘામ રોડ પર મેટેંગલિયાંગ નજીક થયો હતો. બધા મજૂરો આસામના તિનસુકિયા જિલ્લાના ગેલાપુખુરી ચાના બગીચાના રહેવાસી હતા. તેઓ કોન્ટ્રાક્ટ પર કામ કરવા માટે અરુણાચલ પ્રદેશમાં એક પ્રોજેક્ટ સાઇટ પર જઈ રહ્યા હતા. જોકે, આ અકસ્માત ખતરનાક રસ્તા પર થયો હતો, જેમાં તીક્ષ્ણ વળાંક, ઢાળવાળા ચઢાણ, ઉતરાણ અને ઊંડા કોતરોનો સમાવેશ થતો હતો.
હવામાન, ભૂસ્ખલન અને સાંકડા રસ્તાઓથી થાય છે અકસ્માત
મૃતકોમાં બુધેશ્વર દીપ, રાહુલ કુમાર, સમીર દીપ, જોન કુમાર, પંકજ મંકી, અજય મંકી, બિજય કુમાર, અભય ભૂમિજ, રોહિત મંકી, બિરેન્દ્ર કુમાર, અગોર તંતી, ધીરેન ચેટિયા, રજની નાગ, દીપ ગોવાલા, રામચબક સોનાર, સોનાતન નાગ, સંજય કુમાર, કરણ કુમાર અને જોનાશ મુંડાનો સમાવેશ થાય છે. અન્ય ત્રણ કામદારોની હજુ સુધી ઓળખ થઈ નથી. મૃતકોના પરિવારોને જાણ કરવામાં આવી છે.
બચાવ ટીમોએ અકસ્માત સ્થળેથી ૧૩ મૃતદેહો બહાર કાઢ્યા છે. બાકીના લોકોની શોધ ચાલુ છે. ઢોળાવ, અત્યંત મુશ્કેલ ભૂપ્રદેશ અને નબળા રસ્તાઓ બચાવ પ્રયાસોમાં અવરોધ ઉભો કરી રહ્યા છે. પોલીસ, જિલ્લા વહીવટીતંત્ર, સેનાની ટીમો સંયુક્ત રીતે કામગીરી ચલાવી રહી છે. બધા મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. મૃતકોના પરિવારોને જાણ કરવામાં આવી છે. આસામ અને અરુણાચલ પ્રદેશના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે.
આ પ્રદેશ તેની મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિઓ માટે જાણીતો છે. ભારત-ચીન સરહદ પર રોડ પ્રોજેક્ટ પર કામ કરતા કામદારોને દરરોજ અત્યંત જાેખમી ભૂપ્રદેશ પર મુસાફરી કરવી પડે છે. ખરાબ હવામાન, ભૂસ્ખલન અને સાંકડા રસ્તાઓ ઘણીવાર અકસ્માતો તરફ દોરી જાય છે. તાજેતરના અકસ્માતનું કારણ અજ્ઞાત છે. અંજાવના ડેપ્યુટી કમિશનર મિલો કોજિને જણાવ્યું હતું કે તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં કારણ નક્કી કરવામાં આવશે.