Last Updated on by Sampurna Samachar
ટ્રક ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવતા અકસ્માત સર્જાયો
ટ્રક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગેસ સિલિન્ડરથી ભરેલી એક ટ્રક અચાનક પલટી જતાં તમિલનાડુના અરિયાલૂર જિલ્લામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. અરિયાલૂર નજીક વરણાવાસી ખાતે ટ્રક ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવતા આ એલપીજી સિલિન્ડર ભરેલી ટ્રક પલટી ગઈ હતી. પરિણામે, સિલિન્ડરમાં આગ લાગી અને એક પછી એક વિસ્ફોટો થવાથી સમગ્ર વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો.

ટ્રક પલટી જતાં ડ્રાઇવર કોઈક રીતે બહાર કૂદી જવામાં સફળ રહ્યો, જેના કારણે તેને મામૂલી ઇજાઓ જ થઈ છે અને તેને અરિયાલૂરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જોકે, ટ્રક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.
દુર્ઘટના બાદ ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો
તેમજ સિલિન્ડર ફાટવાનો અવાજ આશરે ૨ કિલોમીટર દૂર સુધી સંભળાયો હોવાની જાણકારી પણ મળી છે અને બ્લાસ્ટ બાદ ફેલાયેલી આગને કારણે આસપાસના લોકોમાં દહેશતનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટના બાદ ટ્રાફિકને પણ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. તેમજ ઘટનાની જાણ થતાં જ અરિયાલૂરના કલેક્ટર અને પોલીસ અધિક્ષક પણ દુર્ઘટના સ્થળે પહોંચી ગયા હતા.