Last Updated on by Sampurna Samachar
હૃદયદ્રાવક અકસ્માતના દ્રશ્યો CCTV માં કેદ
બાળકીના સ્વાસ્થય અંગે લોકોએ કરી પ્રાર્થના
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાટણના સિદ્ધપુર તાલુકાના ડીંડરોલ ગામે મામવાડા રોડ પર કાળજું કંપાવે તેવો અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતી પીકઅપ વાને બેધ્યાનમાં રસ્તો ઓળંગતી નાની બાળકીને ટક્કર મારી હતી. જેમાં બાળકીને ગંભીર ઈજાઓ થતાં તેને મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર ડીંડરોલ ગામમાં રહેણાક વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત થયો હતો. જે રોડની બાજુમાં આવેલા મકાનના કેમેરા ફૂટેજમાં કેદ થયો છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે બે નાની બાળકીઓ રસ્તાની એક તરફ ઊભી હતી, જેમાંથી એક બાળકી રોડની બંને તરફ એક વખત જુએ છે કે કોઈ સાધન આવતું નથી ને?, તે બાદ તે ઝડપભેર રસ્તો ઓળંગવા જાય છે.
બાળકોની સુરક્ષા અંગે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો
જેમાં પૂરપાટ ઝડપથી આવતી પીકઅપ વાન બાળકીને અડફેટે લીધી હતી. જે બાદ નીચે ઘસડાઈને પડેલી બાળકી પર પીકવાન/જીપ/ડાલું ચઢી જતાં તે કચડાઈ જાય છે!, અકસ્માત બાદ રોડની બીજી તરફ ઊભેલી બાળકી બૂમાબૂમ કરી મૂકે છે, જેથી ઘણા બાળકો અને સ્થાનિક લોકો ભેગા થઈ જાય છે. પરિવારને પણ ઘટનાની જાણ કરવામાં આવતા તે બાળકી તરફ દોટ મૂકે છે.
બાળકીને ગંભીર હાલતમાં મહેસાણાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાઇ હતી. હાલ ગ્રામજનો અને પંથકના લોકો બાળકી વહેલી તંદુરસ્ત થાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે. બીજી તરફ માર્ગો પર વાહનોની અનિયંત્રિત ગતિ અને બાળકોની સુરક્ષા અંગે સ્થાનિકોએ રોષ પણ ઠાલવ્યો છે.