Last Updated on by Sampurna Samachar
જામનગરમાં હિટ એન્ડ રનનો એક બનાવ બન્યો
ટ્રક ચાલકે તેને હડફેટમાં લઈ કચડી નાખ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગર નજીક દરેડ વિસ્તારના હિટ એન્ડ રનનો એક બનાવ બન્યો હતો અને પગપાળા ચાલીને જઈ રહેલા એક યુવાનને ટ્રકના ચાલકે કચડી નાખતાં કરુણ મૃત્યુ નિપજ્યું છે. બનાવની વિગત એવી છે કે જામનગર નજીક સાધના કોલોનીમાં મારવાડી વાસ વિસ્તારમાં રહેતો અને છૂટક મજૂરી કામ કરતો ચમનભાઈ સોલંકી નામનો ૩૪ વર્ષનો યુવાન કે જે દરેડ વિસ્તારમાંથી પગપાળા ચાલીને જઈ રહ્યો હતો, જે દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલા શાહરુખ સલીમભાઈ જુણેજા નામના ટ્રક ચાલકે તેને હડફેટમાં લઈ કચડી નાખ્યા હતા.
ઇજાગ્રસ્ત ચમનભાઈના બંને પગ ઉપરથી ટ્રકના તોતિંગ વ્હીલ ફરી વળ્યા હતા, અને બંને પગ ચગદાઈ ગયા હોવાથી તેને ગંભીર હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું.
પોલીસે વધુ તપાસ હાથ ધરી
આ બનાવ અંગે નારણભાઈ વાલાભાઈ સોલંકીએ જામનગરના પંચકોસી બી.ડિવિઝન પોલીસ મથકમાં ટ્રક ચાલક શાહરુખ સલીમભાઈ જુણેજા સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.