Last Updated on by Sampurna Samachar
મહેસાણામાં ગ્રાહકો દુકાનો સુધી પહોંચી શકતા નથી
ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાવાની ભીતિ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહેસાણા શહેરના બિલાડી બાગથી માનવ આશ્રમ સુધીના વિસનગર રોડ પર નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલી આઇકોનિક રોડની કામગીરીને લઈને સ્થાનિક રહીશો અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ મામલે વેપારીઓ અને સોસાયટીના રહીશોએ નગરપાલિકા કમિશનરને લેખિત રજૂઆત કરી પોતાની હાલાકી વર્ણવી હતી.

લોકોએ રજૂઆતમાં જણાવ્યા અનુસાર, રાધનપુર રોડ અને મોઢેરા રોડની જેમ આ રોડને પહોળો કરવાને બદલે ૧૨ મીટરમાંથી ઘટાડીને માત્ર ૭ મીટરનો કરી દેવામાં આવતા ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાવાની ભીતિ છે.રોડની બાજુમાં ઊંચી દીવાલો ચણી દેવાતા વેપારીઓની દુકાનો ઢંકાઈ ગઈ છે.
ભવિષ્યમાં અહીં અકસ્માત સર્જાવાની શક્યતા
જેના કારણે ગ્રાહકો દુકાનો સુધી પહોંચી શકતા નથી અને વેપાર-ધંધા ભાંગી પડ્યા છે.સ્થાનિકોનો આક્ષેપ છે કે રોડ વચ્ચેના ડિવાઈડરમાં અગાઉ જે કટ રાખવામાં આવ્યા હતા, તે હવે બંધ કરી દેવામાં આવ્યા છે.
રાહદારીઓને રોડ ક્રોસ કરવામાં મુશ્કેલી પડી રહી છે અને ૩૦ હજારથી વધુ રહીશો માટે અકસ્માતનો ખતરો વધી ગયો છે. અરજદારોએ ચીમકી ઉચ્ચારી છે કે જો ભવિષ્યમાં અહીં કોઈ અકસ્માત સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકા તંત્રની રહેશે.
વેપારીઓએ માંગ કરી છે કે આ વિસ્તારના મધ્યમ વર્ગ અને નાના વેપારીઓના હિતમાં રોડની દીવાલો હટાવવામાં આવે અને યોગ્ય અંતરે ડિવાઈડરમાં ગેપ રાખવામાં આવે જેથી જનતાને પડતી અગવડતા દૂર થઈ શકે.