Last Updated on by Sampurna Samachar
ઈસબગુલ Seed પર લાગતા ૫ ટકા GST ને રદ કરાવવાની માંગ
વેપારીઓની GST વિરોધમાં હડતાળથી ખેડૂતો ચિંતામાં
(સંપૂર્ણ સમાચાર સેવા)
GST મામલે ઊંઝા સહિત ભારતભરના વેપારીઓ દ્વારા ઈસબગુલની ખરીદી બંધ કરી છે, જેને લઇ વેપારીઓની GST વિરોધમાં હડતાળથી ખેડૂતો મુશ્કેલીમા મૂકાયા છે અને માલ લઈને પરત ફરી રહ્યા છે. ઊંઝા સહિત સમગ્ર ઉત્તર ગુજરાત અને ભારતભરના ઈસબગુલના વેપારીઓએ આજથી ઈસબગુલની ખરીદી બંધ કરવાનો ર્નિણય લીધો છે. વેપારીઓએ ઈસબગુલ પર લાગતા ૫ ટકા GST ને સંપૂર્ણપણે દૂર કરવાની માંગ સાથે આ અનિશ્ચિતકાળની હડતાળ શરૂ કરી છે. જેના કારણે ઊંઝા માર્કેટ યાર્ડ સહિતના બજારોમાં સન્નાટો છવાઈ ગયો છે. વેપારીઓની મુખ્ય માંગ ઈસબગુલ Seed પર લાગતા ૫ ટકા GST ને રદ કરાવવાની છે.
વેપારીઓના જણાવ્યા મુજબ, ૨૦૧૭ માં GST લાગુ થયો તે પહેલાં ઈસબગુલ Seed પર કોઈ VAT લાગતો નહોતો. જોકે, GST લાગુ થયા બાદ, Seed કોડ ૧૧૧૨ માં ઈસબગુલ HSN નો સ્પષ્ટ ઉલ્લેખ કે ચોખવટ ન હોવાને કારણે વેપારીઓને ૫ ટકા ટેક્સ ભરવો પડે છે. વેપારીઓનો તર્ક છે કે Seed કોડમાં ‘ફ્રેશ’ અને ‘ડ્રાય’ ઈસબગુલ વચ્ચે કોઈ ચોખવટ કે તફાવત કરવામાં આવ્યો નથી, જેના કારણે આ ટેક્સની સમસ્યા ઊભી થઈ છે. આ ૫ ટકા ટેક્સ રદ કરવાની માગ સાથે મહેસાણા ઈસબગુલ ના એસોશિયન ના નેતૃત્વ હેઠળ ભારતભરના વેપારીઓ આ મુહિમમાં જોડાયા છે.
હડતાળથી કરોડો રૂપિયાના વાર્ષિક વેપાર પર અસર પડી
વેપારીઓના આ અચાનક ર્નિણયને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ઊંઝા માર્કેટ યાર્ડમાં આજે સવારે કેટલાક ખેડૂતો પોતાનો ઈસબગુલનો તૈયાર માલ લઈને પહોંચ્યા હતા. પરંતુ ખરીદી સંપૂર્ણપણે બંધ હોવાને કારણે ખેડૂતોનો માલ કોઈ ખરીદનાર મળ્યો નહોતો, જેના કારણે તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.અને માલ લઇ પરત ફરવા મજબુર બન્યા હતા ખેડૂતો પાસે માલ પરત લઈ જવા ભાડું પણ ન હોવાથી ભારે મુશ્કેલીમાં મૂકાયા છે.
જ્યાં સુધી સરકાર દ્વારા ઈસબગુલ Seed પર લાગતો ૫ ટકા GST રદ કરવા અંગે કોઈ સકારાત્મક ર્નિણય લેવામાં નહીં આવે, ત્યાં સુધી વેપારીઓ દ્વારા ખરીદી બંધ રાખવાનો ર્નિણય લેવાયો છે. વેપારીઓની આ હડતાળને કારણે કરોડો રૂપિયાના વાર્ષિક વેપાર પર અસર પડી છે અને ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે.