Last Updated on by Sampurna Samachar
મહિલાના વિવાદમાં બે યુવકો પર જીવલેણ હુમલો
હુમલાખોરોએ હિતેશના પેટના ભાગે છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ગુનાખોરીનો ગ્રાફ સતત ઊંચો જઈ રહ્યો છે. ખોખરા વિસ્તારમાં ફરી એકવાર જાહેરમાં હત્યાના પ્રયાસની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. એક મહિલા બાબતે ચાલી રહેલા વિવાદમાં બે યુવકો પર ચાર શખ્સોએ છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં એક યુવકની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ, ખોખરામાં અજય અને હિતેશ નામના બે યુવકો પર અચાનક ચાર શખ્સોએ હુમલો કર્યો હતો. મહિલાને લઈ થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આરોપીઓએ આતંક મચાવ્યો હતો. હુમલાખોરોએ હિતેશના પેટના ભાગે છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો.
લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો
હાલ હિતેશ ICU માં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. જ્યારે અજયને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.હુમલો કરનાર આરોપીઓની ઓળખ અવિનાશ સોનવણે, વિશાલ, સન્ની અને કાર્તિક તરીકે થઈ છે. હુમલો કર્યા બાદ આ ચારેય શખ્સોએ એક્ટિવા પર તોડફોડ કરી વિસ્તારમાં દહેશત ફેલાવી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
ખોખરા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે. ખોખરા અને આસપાસના વિસ્તારોમાં વધતી જતી ગુનાખોરીને કારણે હવે પોલીસની કામગીરી અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે.