Last Updated on by Sampurna Samachar
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દ્વારા કડક કાર્યવાહી
મની લોન્ડરિંગની ગતિવિધિઓ માટે પણ થાય છે એપ્સનો ઉપયોગ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઓનલાઈન સટ્ટાબાજી એપ્લિકેશન કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દ્વારા કડક કાર્યવાહી કરી છે, જેના કારણે ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટરો સુરેશ રૈના અને શિખર ધવનની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ED એ આ બંનેની કુલ ૧૧.૧૪ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, ED સટ્ટાબાજીની સાઇટ સામેના મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ વચગાળાના આદેશમાં, શિખર ધવનની ૪.૫ કરોડ રૂપિયાની સ્થાવર મિલકત અને સુરેશ રૈનાના ૬.૬૪ કરોડ રૂપિયાના મ્યુચ્યુઅલ ફંડ્સ જપ્ત કરવાનો આદેશ જાહેર કરાયો છે.
ED એ અન્ય હસ્તીઓની પણ પૂછપરછ કરી
પૂર્વ ક્રિકેટરો સુરેશ રૈના અને શિખર ધવનની ED એ થોડા સમય પહેલાં પૂછપરછ કરી હતી, જેમાં તેમના નિવેદનો પણ નોંધવામાં આવ્યા હતા. હાલમાં, ED ગેરકાયદેસર સટ્ટાબાજીની એપ્સ સંબંધિત ઘણા કેસોની તપાસ કરી રહી છે. એજન્સી માને છે કે આ એપ્સ માત્ર ગેરકાયદેસર નથી, પણ તેનો ઉપયોગ મોટા પાયે મની લોન્ડરિંગની ગતિવિધિઓ માટે પણ થાય છે.
આ એપ્સ પર લાખો લોકોને કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાનો અથવા તો મોટી ટેક્સ ચોરી કરવાનો ગંભીર આરોપ છે. આ મામલે, ED એ ખાસ કરીને તે જાહેરાતો પર ધ્યાન કેન્દ્રિત કરીને કાર્યવાહી ઝડપી બનાવી છે જેમાં ફિલ્મ સ્ટાર્સ અને ક્રિકેટરોએ ભાગ લીધો છે. પરિણામે, ક્રિકેટરો અને ફિલ્મ હસ્તીઓની આ સમગ્ર પ્રકરણમાં શું ભૂમિકા હતી, તેની તપાસ પણ હવે આગળ વધી રહી છે.
ED ની તપાસમાં જાણવા મળ્યું કે આ બંને પૂર્વ ક્રિકેટરોએ 1xBet અને તેના પ્રતિનિધિઓનો પ્રચાર કરવા માટે વિદેશી સંસ્થાઓ સાથે જાણી જોઈને સમર્થન કરારો કર્યા હતા. આ તપાસના ભાગરૂપે, ED એ માત્ર આ બે ક્રિકેટરો જ નહીં, પરંતુ યુવરાજ સિંહ અને રોબિન ઉથપ્પા જેવા અન્ય પૂર્વ ક્રિકેટરો, તેમજ અભિનેતા સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ સાંસદ મિમી ચક્રવર્તી, અને બંગાળી અભિનેતા અંકુશ હાજરા સહિતની અન્ય હસ્તીઓની પણ પૂછપરછ કરી છે.