યશે પોતાના જન્મદિવસ પર ફેન્સને આપી મોટી સરપ્રાઇઝ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુપરસ્ટાર યશ પોતાનો ૩૯ મો જન્મદિવસ ઉજ્વ્યો હતો. તેના જન્મદિવસ પર તેણે તેના ફેન્સને એક ખાસ ભેટ આપી છે. યશની આગામી ફિલ્મ ‘ટોક્સિક’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે, જેમાં તે દમદાર લુકમાં જોવા મળી રહ્યો છે. ટીઝર સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે અને ફિલ્મને લઈને યશના ફેન્સનું એક્સાઈટમેન્ટ લેવલ વધારી દીધું છે.
‘ટોક્સિક’ના ટીઝરમાં કોઈ ડાયલોગ નથી, પરંતુ શાનદાર બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાંભળી શકાય છે. ટીઝરમાં જોઈ શકાય છે કે, યશ તેની લક્ઝુરિયસ કારમાંથી નીચે ઉતરે છે અને સિગારેટ પીતી વખતે ફૂલ સ્વેગમાં ક્લબમાં એન્ટ્રી કરે છે. તેના લુકની વાત કરીએ તો તે વધેલી દાઢી અને ટૂંકા વાળ સાથે જોવા મળે છે. ટીઝરના અંતે, યશ ક્લબની અંદર એક છોકરીને આકર્ષિત કરતો અને તેના પર શેમ્પેનની બોટલ રેડતો જોવા મળે છે.
યશના ફેન્સને ફિલ્મનું ટીઝર ખૂબ જ પસંદ આવી રહ્યું છે. લગભગ ૭ વર્ષના ગાળામાં આ તેની ત્રીજી રિલીઝ હશે. તેની પહેલી ‘KGF ચેપ્ટર ૧’ વર્ષ ૨૦૧૮ માં રિલીઝ થઈ હતી. આ પછી વર્ષ ૨૦૨૨માં સિક્વલ ‘KGF ચેપ્ટર ૨’ આવી. ૧૦૦ કરોડમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ૧૨૦૦ કરોડથી વધુની કમાણી કરીને ઇતિહાસ રચ્યો હતો.
યશની ફિલ્મ ‘ટોક્સિક’ ગીતુ મોહનદાસ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહી છે, જેણે અગાઉ ‘મૂથોન’ અને ‘લાયર્સ ડાઇસ’ જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. આ બિગ બજેટ ફિલ્મ કેવીએન પ્રોડક્શન્સ અને યશના મોન્સ્ટર માઇન્ડ ક્રિએશનના બેનર હેઠળ બની રહી છે. મેકર્સે હજુ સુધી ‘ટોક્સિક’ની રિલીઝ ડેટ જાહેર કરી નથી. પહેલા આ ફિલ્મ ૧૦ એપ્રિલે રિલીઝ થવાની હતી, પરંતુ હવે તેની રિલીઝ મોડી થવાની સંભાવના છે. ફિલ્મની અન્ય સ્ટાર કાસ્ટ વિશે કોઈ અપડેટ નથી. એવું માનવામાં આવે છે કે કિયારા અડવાણી અને નયનતારા પણ આ ફિલ્મનો ભાગ બની શકે છે. અત્યાર સુધી મેકર્સે સત્તાવાર રીતે માત્ર અક્ષય ઓબેરોયના નામની જાહેરાત કરી છે.