તમિલનાડુ વિધાનસભાનું વર્ષ ૨૦૨૫નું પ્રથમ વિધાનસભા સત્ર શરું થયું હતું
(સંપૂર્ણ સમાચાર સેવા)
તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિ વિધાનસભા સત્ર દરમિયાન રાષ્ટ્રગીતના કથિત અપમાનને લઈને ગુસ્સે થઈ ગયા હતા અને વિધાનસભા સત્રને સંબોધ્યા વિના જ ગૃહમાંથી નીકળી ગયા. તમિલનાડુ વિધાનસભાનું વર્ષ ૨૦૨૫નું પ્રથમ વિધાનસભા સત્ર આજથી શરૂ થયું છે.
નિયમો અનુસાર વિધાનસભા સત્રની શરૂઆત રાજ્યપાલ આરએન રવિના સંબોધનથી થવાની હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિધાનસભા સત્રની શરૂઆતમાં તમિલનાડુ સરકારનું રાજ્યગીત ‘તમિલ થાઈ વઝથુ’ ગાવામાં આવ્યું હતું.રાજ્યપાલ આરએન રવિએ તમિલનાડુના રાજ્ય ગીત પછી રાષ્ટ્રગીત વગાડવાની માંગ કરી હતી, પરંતુ તેમની માંગ માનવામાં આવી ન હતી. જેના કારણે રાજ્યપાલ એટલા નારાજ થઈ ગયા કે તેઓ વિધાનસભા સત્રને સંબોધ્યા વિના જ ગૃહમાંથી નીકળી ગયા.
સમગ્ર વિવાદ પર તમિલનાડુ રાજભવને નિવેદન જાહેર કરતા કહ્યું છે કે, ‘તમિલનાડુ વિધાનસભામાં ફરી એકવાર ભારતના બંધારણ અને રાષ્ટ્રગીતનું અપમાન કરવામાં આવ્યું છે. બંધારણમાં રાષ્ટ્રગીતનું સન્માન કરવું એ મૂળભૂત ફરજ ગણાવવામાં આવી છે. તમામ રાજ્યોની વિધાનસભાઓમાં સત્રની શરૂઆતમાં અને અંતમાં રાષ્ટ્રગીત ગાવામાં આવે છે.
આજે જ્યારે રાજ્યપાલ ગૃહમાં પહોંચ્યા ત્યારે માત્ર તમિલ થાઈ વઝથુ ગાવામાં આવ્યું હતું. રાજ્યપાલે આદરપૂર્વક ગૃહને તેની બંધારણીય ફરજની યાદ અપાવી અને રાષ્ટ્રગીત વગાડવાની માંગણી કરી, પરંતુ મુખ્ય પ્રધાન એમ કે સ્ટાલિન અને ગૃહના અધ્યક્ષે તેમની અપીલને ફગાવી દીધી. આ ગંભીર ચિંતાનો વિષય છે. આવી સ્થિતિમાં રાષ્ટ્રગીત અને ભારતના બંધારણના અપમાનનો ભાગ બન્યા વિના રાજ્યપાલે ભારે નારાજગી વ્યક્ત કરીને ગૃહ છોડી દીધું હતું.
તમિલનાડુમાં છેલ્લા બે વર્ષથી વિધાનસભા સત્રમાં રાજ્યપાલના સંબોધન દરમિયાન ઘણો વિવાદ થયો હતો. ગત વખતે રાજ્યપાલે તેમના સંબોધન દરમિયાન સરકારના નિવેદનની કેટલીક પંક્તિઓ વાંચવાની ના પાડી હતી. જેના પર ભારે વિવાદ થયો હતો. આ વર્ષે પણ વિધાનસભા સત્ર દરમિયાન હોબાળો થવાની અપેક્ષા છે કારણ કે તમિલનાડુની અન્ના યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થી પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે અને વિરોધ પક્ષો રાજ્ય સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. હવે રાજ્યપાલની નારાજગીના કારણે વધુ હોબાળો થવાની શક્યતા છે.