Last Updated on by Sampurna Samachar
આ ચકચારી ઘટનાને લઇ રાજ્યભરમાં આક્રોશ
(સંપૂર્ણ સમાચાર સેવા)
તમિલનાડુમાં બે પુરુષોએ કથિત રીતે ચાર મહિનાની ગર્ભવતી મહિલાનું જાતીય શોષણ કર્યું અને પછી તેને ચાલતી ટ્રેનમાંથી ફેંકી દીધી. આ ભયાનક અને ચકચારી ઘટનાથી રાજ્યભરના લોકોમાં રોષ ભભૂક્યો છે. તો વિપક્ષ અને શાસક DMK વચ્ચે રાજકીય વિવાદ પણ સર્જ્યો છે.
મળતી માહિતી મુજબ આ મામલે પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી છે. મહિલા આંધ્રપ્રદેશના ચિત્તૂર જઈ રહી હતી ત્યારે ટ્રેન તિરુપત્તુર જિલ્લાના જોલારપેટ્ટાઈ પાસેથી પસાર થઈ રહી હતી. મહિલા વોશરૂમ જઈ રહી હતી ત્યારે બે લોકોએ તેના પર હુમલો કર્યો. મહિલાએ મદદ માટે બૂમો પાડી અને વોશરૂમ તરફ દોડી, પરંતુ પુરુષોએ તેનો પીછો કર્યો અને તેને વેલ્લોર જિલ્લામાં કોમ્બેટોર-તિરુપતિ ઇન્ટરસિટી એક્સપ્રેસમાંથી બહાર ધક્કો મારી દીધો હતો.
મહિલાના હાથ અને પગમાં ફ્રેક્ચર થયું હતું અને તેના માથામાં પણ ઈજા થઈ હતી. તેને વેલ્લોર જિલ્લા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. મહિલા કોઈમ્બતુરની એક ગારમેન્ટ કંપનીમાં કામ કરતી હતી. ત્યારે જોલારપેટ્ટાઈ પોલીસે કેસની ફરિયાદ નોંધી છે અને રેલવે પ્રોટેક્શન ફોર્સએ પણ આ મામલે તપાસ શરૂ કરી છે.
ગુનેગારોને ઓળખવા માટે સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં હેમરાજ નામના વ્યક્તિની પોલીસે અટકાયત કરી પૂછપરછ માટે લઈ જવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર હેમરાજ એક રીઢો ગુનેગાર છે અને તેનો ગુનાહિત રેકોર્ડ છે.
આ ઘટના અંગે DMK ની આગેવાની હેઠળની રાજ્ય સરકારની ટીકા કરતા AIA DMK ના જનરલ સેક્રેટરી ઈડાપ્પડી કે પલાનીસ્વામીએ કહ્યું, એક ગર્ભવતી મહિલાનું બે પુરુષો દ્વારા યૌન શોષણ કરવામાં આવ્યું હતું અને પછી તેણે ચીસો પાડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને ટ્રેનમાંથી ધક્કો મારવાના ચોંકાવનારા સમાચાર છે.
તમિલનાડુમાં મહિલાઓ રસ્તા પર સલામત રીતે ચાલી શકતી નથી તે શરમજનક છે. શાળા, કોલેજ કે ઓફિસે જઈ શકતી નથી અને હવે ટ્રેનમાં પણ મુસાફરી કરી શકતો નથી. તેમણે કહ્યું કે, આવા અત્યાચારો ચાલુ રહેવાથી મહિલાઓની સુરક્ષામાં રાજ્ય સરકારની નિષ્ફળતા સાબિત થાય છે અને ગુનેગારો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની અપીલ કરી હતી.