Last Updated on by Sampurna Samachar
PMK એ DMK ની સામે કોઈ પણ બેઠક પર ચૂંટણી ન લડવાનો ર્નિણય જણાવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્રમાં ભાજપના નેતૃત્વ હેઠળની NDA સરકારના સહયોગી પક્ષ PMK નારાજ થયું હોવાના અહેવાલો મળ્યા છે. ઉત્તર તમિલનાડુના વન્નિયાર સમુદાયમાં વર્ચસ્વ ધરાવતા PMK એ મુખ્યમંત્રી સ્ટાલિનના નેતૃત્વ હેઠળની DMK ને ઑફર આપી સૌ કોઈને ચોંકાવી દીધા છે.
PMK એ જણાવ્યું કે, જો વન્નિયાર સમુદાયને અતિ પછાત વર્ગ (MBC ) ક્વોટામાં ૧૫ ટકા અનામત આપવામાં આવે તો તે તમિલનાડુની DMK સરકારને સમર્થન આપવા તૈયાર છે. સ્ટાલિનના નેતૃત્વ હેઠળની DMK કેન્દ્રીય સ્તરે વિપક્ષ INDIA ગઠબંધનનો હિસ્સો છે. જો PMK DMK સાથે જોડાઈ તો તમિલનાડુના રાજકારણમાં મોટો બદલાવ જોવા મળી શકે છે. PMK અધ્યક્ષ અંબુમણિ રામદાસે જણાવ્યું હતું કે, જો ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણી પહેલાં વન્નિયાર સમુદાયને અનામત આપવામાં આવે તો તે ડીએમકે પક્ષને સમર્થન આપશે. સંપૂર્ણપણે સમર્થન આપવાની શરતે PMK એ DMK ની સામે કોઈ પણ બેઠક પર ચૂંટણી ન લડવાનો ર્નિણય પણ જણાવ્યો છે.
તમિલનાડુમાં હાલ ૬૯ ટકા અનામતની વ્યવસ્થા છે. જેમાં ૩૦ ટકા અનામત પછાત વર્ગ, ૨૦ ટકા અતિ પછાત વર્ગ, ૧૮ ટકા એસસી અને ૧ ટકા એસટી સમુદાયને મળે છે. જેમાં PMK એ અતિ પછાત વર્ગમાં ફાળવવામાં આવેલી ૨૦ ટકા અનામતમાંથી ૧૫ ટકા અનામતની માંગ કરી છે. PMK એ આ માંગ કરતાં સુપ્રીમ કોર્ટના આદેશનો હવાલો આપ્યો હતો કે, SC કેટેગરીમાં ૩ ટકા અનામત અરૂંધતીયાર સમુદાયને આપવાનો ર્નિણય સુપ્રીમ કોર્ટે યોગ્ય ઠેરવ્યો છે. તેવી જ રીતે અતિ પછાત વર્ગમાં વન્નિયાર સમુદાયને સ્થાન આપી શકાય.
અંબુમણિ રામદાસે જણાવ્યું કે, ઇન્ટરનલ રિઝર્વેશનનો પ્રશ્ન કોઈ જાતિગત મુદ્દો નથી. પરંતુ સામાજિક ન્યાયનો મુદ્દો છે. વન્નિયાર સમુદાયની આર્થિક સ્થિતિ ખરાબ છે. તેઓ રોજમદાર છે. મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. જો તેમને અનામતનો લાભ મળશે તો તેમનો શૈક્ષણિક અને વ્યવસાયિક વિકાસ થશે. ઉત્તર તમિલનાડુમાં વન્નિયાર સમુદાય છે. ઐતિહાસિક રૂપે આ સમુદાય ઓબીસીમાં વર્ગીકૃત હતો. પરંતુ ૧૯૮૦ના દાયકામાં સફળ આંદોલનો બાદ તેને અતિ પછાત કેટેગરીમાં સામેલ કર્યો. ૨૦૨૧માં વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીનો વોટ શેર ૪.૩૩ ટકા રહ્યો છે. જો આ માંગ સંતોષાય અને DMK તથા PMK વચ્ચે ગઠબંધન થાય તો તે સત્તાકીય પક્ષનો જીતનો માર્ગ સરળ બનાવી નિર્ણાયક સાબિત થઈ શકે છે.