Last Updated on by Sampurna Samachar
INDIA ની પાર્ટીએ કેન્દ્ર સરકાર સામે દેખાવ કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
તમિલનાડુના નાયબ મુખ્યમંત્રી ઉદયનિધિ સ્ટાલિનને જાહેર મંચ પર સનાતન ધર્મનો વિરોધ કર્યાં બાદ હવે હિન્દી ભાષા પર નિશાનો સાધ્યો છે. સ્ટાલિને ચેતવણી આપી કે, હિન્દીના કારણે તમિળ ભાષા ખતમ થઈ શકે છે. આ દરમિયાન ફંડના મામલે વડાપ્રધાન અને કેન્દ્ર સરકાર પર પણ સવાલ કરવામાં આવ્યા. ૨૦૨૩માં સ્ટાલિને સનાતન ધર્મની તુલના કોવિડ જેવી બીમારી સાથે કરી હતી.
રાજધાની ચેન્નઈમાં વિપક્ષી ગઠબંધન INDIA ની પાર્ટીએ કેન્દ્ર સરકાર સામે દેખાવ કર્યો હતો. મળતી માહિતી મુજબ, આ દરમિયાન સ્ટાલિને કહ્યું કે, હિન્દીએ ઉત્તર ભારતના રાજ્યોની સ્થાનિક ભાષા જેમ કે, રાજસ્થાની, હરિયાણવી, ભોજપુરી અને અન્ય બિહારી ભાષાને ખતમ કરી દીધી છે અને પ્રમુખ સ્થાનિક ભાષા બની ગઈ છે. જો તમિલનાડુમાં તેને લાગુ કરવામાં આવશે, તો અહીં પણ આવું જ થશે.
સ્ટાલિને કહ્યું કે, વિદેશ અને ISRO જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં કામ કરી રહેલા લગભગ ૯૦ ટકા તમિળ એવી સ્કૂલમાં હતા, જ્યાં હિન્દી ભણાવવામાં નથી આવતી. ગત ૧૦૦ વર્ષોમાં શિક્ષા અને હિન્દી લાગુ કરવાના મુદ્દે તમિલનાડુમાં મોટા દેખાવ થયા છે.
થલમુથુ, નટરાજન અને કીઝપાલુપર ચિન્નાસ્વામી જેવા શહીદોએ રાજકારણ નહીં, પરંતુ તમિળ માટે પોતાનો જીવ ગુમાવી દીધો. અમારી ભાષા માટે જીવ આપવા માટે હજારો લોકો તૈયાર છે. આ દરમિયાન સ્ટાલિને ચેતવણી આપી કે, જાે રાજ્યને ફંડ મળવાનું બંધ થાય, તો રાજ્ય સ્તરે વિરોધ શરુ થશે. વિરોધ દેખાવમાં સામેલ વીસીકેના અધ્યક્ષ તોલ તિરૂમવલાવનનું કહેવું છે કે, ભાજપ હિન્દી એટલે થોપી રહી છે. કારણ કે, તે એક રાષ્ટ્ર એક ભાષાની નીતિ લાગુ કરવા ઇચ્છે છે, જેથી હિન્દીને રાષ્ટ્રીય ભાષા બનાવી શકાય.
સપ્ટેમ્બર ૨૦૨૩માં એક કાર્યક્રમ દરમિયાન ઉદયનિધિ સ્ટાલિને કહ્યું હતું કે, અમુક વસ્તુ છે, જેનો વિરોધ નથી થઈ શકતો, તેને ઉખાડી જ દેવું પડે. જેમ ડેન્ગ્યુ, મચ્છર, મલેરિયા અથવા કોરોના વાયરસને ખતમ કરવાની જરૂર છે, એવી જ રીતે આપણે સનાતનને ઉખાડીને ફેંકી દેવું પડશે.