Last Updated on by Sampurna Samachar
વિધાનસભામાં પ્રવાસીઓ સંબંધિત પ્રસ્તાવ પર હોબાળો
ધારાસભ્ય શંકર ઘોષની તબિયત લથડી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
પશ્ચિમ બંગાળ વિધાનસભામાં હોબાળો થયો હતો. હોબાળો એટલી હદે વધી ગયો હતો કે, શાસક પક્ષ TMC અને વિપક્ષ ભાજપના ધારાસભ્યો મારામારી પર ઉતરી આવ્યા હતા. જેના લીધે ધારાસભ્ય શંકર ઘોષની તબિયત લથડી હતી. તેમને એમ્બ્યુલન્સમાં હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. શંકર ઘોષ બંગાળ ભાજપના ચીફ વ્હિપ છે.
બંગાળી પ્રવાસીઓ પર કથિત અત્યાચાર સંબંધિત સરકારના પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન હોબાળો થયો હતો. મુખ્યમંત્રી મમતા બેનર્જી પ્રસ્તાવ રજૂ કરવા ઊભા થયા ત્યારે જ ભાજપના ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર શરુ કર્યા હતા.
સરકારનો પ્રસ્તાવ ખૂબ જ મહત્વપૂર્ણ
મુખ્યમંત્રીએ બોલવાનું શરુ કરતાંની સાથે જ ભાજપના ધારાસભ્યોએ ૨ સપ્ટેમ્બરે વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીને સસ્પેન્ડ કરવા માટે સૂત્રોચ્ચાર શરુ કરી દીધા હતા. તેના જવાબમાં શાસક પક્ષ તરફથી તીવ્ર પ્રતિક્રિયા આવી અને ગૃહનું વાતાવરણ ગરમાયું હતું.
વિધાનસભા અધ્યક્ષ બિમન બેનર્જીએ ભાજપના ચીફ વ્હિપ શંકર ઘોષને આજના સેશન દરમિયાન ગૃહમાંથી સસ્પેન્ડ કર્યા હતા. પરંતુ ઘોષે ગૃહ છોડવાનો ઇન્કાર કરતાં માર્શલોને બોલાવવામાં આવ્યા અને તેમને બળજબરીપૂર્વક બહાર કાઢવામાં આવ્યા હતા.
ભાજપના ધારાસભ્ય અગ્નિમિત્રા પોલને પણ સૂત્રોચ્ચાર કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સ્પીકરે મહિલા માર્શલ્સને બોલાવી તેમને ગૃહમાંથી હાંકી કાઢવાનો નિર્દેશ આપ્યો હતો. વિપક્ષે આરોપ મૂક્યો હતો કે, હોબાળા દરમિયાન શાસક પક્ષ દ્વારા તેમના પર પાણીની બોટલો ફેંકવામાં આવી હતી. જાેકે, આ આરોપની ખાતરી થઈ શકી નથી.
સુવેન્દુ અધિકારીએ CM મમતા પર હિંસા ભડકાવવાનો આરોપ મૂકતાં બંગાળ ભાજપે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી હતી કે, બંગાળમાં હવે લોકશાહી બચી નથી. વિધાનસભા પર હુમલો કરીને સત્તામાં આવેલા મમતા બેનર્જી હવે એ જ પવિત્ર ગૃહમાં વિપક્ષી ધારાસભ્યો પર હુમલો કરાવી રહ્યા છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપના ધારાસભ્યોના વર્તનની નિંદા કરતાં કહ્યું કે તેઓ એક ગંભીર મુદ્દા પર ચર્ચામાં વિક્ષેપ પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. બંગાળમાં પ્રવાસીઓની સ્થિતિ અંગે સરકારનો પ્રસ્તાવ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને વિપક્ષનું વલણ દુર્ભાગ્યપૂર્ણ છે.
મમતાએ આરોપ લગાવ્યો કે બંગાળ ભાજપ પ્રવાસીઓ પરના હુમલાઓ પર વિધાનસભામાં ચર્ચાનો વિરોધ કરે છે, કારણ કે આવી ઘટનાઓ ભાજપ શાસિત રાજ્યોમાં બની રહી છે. ભાજપ પાસે સરમુખત્યારશાહી અને વસાહતી માનસિકતા છે અને તે બંગાળને તેની વસાહત બનાવવા માંગે છે. તેમણે ભાજપ પર વિદેશી શક્તિઓને ભારતની પ્રતિષ્ઠા વેચવાનો આરોપ પણ મૂક્યો હતો.