Last Updated on by Sampurna Samachar
પરિણીતા પર સાસરીયાવાળાઓનો અસહ્ય ત્રાસ
વરાછા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરતના વરાછા વિસ્તારમાં દહેજ લોભી સાસરિયાઓના કારણે વધુ એક પરિણીતાનો ભોગ લેવાયાનો કિસ્સો સામે આવ્યો છે. માહિતી અનુસાર રીતુબેન નામની પરિણીતાએ સાસરિયાના અસહ્ય માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ મામલે વરાછા પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરી છે.

ઘટનાની વિગતો અનુસાર મૃતક રીતુબેનના લગ્ન લક્ષ્મીનારાયણ કુશવાહ સાથે થયા હતા. લગ્ન સમયે રીતુબેનના પરિવારે પોતાની શક્તિ મુજબ સોનું, રોકડ અને મોટરસાયકલ ભેટમાં આપ્યા હતા. તેમ છતાં, દહેજભૂખ્યા સાસરિયાઓ તૃપ્ત થયા નહોતા. રીતુબેનને તેમના પતિ લક્ષ્મીનારાયણ, સાસુ-સસરા, જેઠ અને નણંદ દ્વારા અવારનવાર મેણા-ટોણા મારીને પિયરમાંથી વધુ ૨ લાખ લાવવા માટે દબાણ કરવામાં આવતું હતું.
પતિ સહિત બે આરોપીઓની ધરપકડ
સાસરિયાઓના સતત ત્રાસ અને દહેજની માંગણીથી કંટાળીને અંતે રીતુબેને અંતિમ ડગલું ભર્યું હતું. તેમણે પોતાના ઘરે પંખા સાથે સાડી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના બાદ પરિવારે સાસરિયા વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી.
વરાછા પોલીસે આ મામલે ગંભીરતા દાખવી તુરંત કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આત્મહત્યા માટે મજબૂર કરવાના ગુનામાં પતિ સહિત બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. અન્ય સંડોવાયેલા આરોપીઓને પકડવા માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે.