Last Updated on by Sampurna Samachar
૩૦ એપ્રિલ સુધી ખેડૂતો વેચાણ કરી શકશે
કૃષિ મંત્રી રાઘવજી પટેલે આપી માહિતી
(સંપૂર્ણ સમાચાર સેવા )
રાજ્ય સરકારે ફરી એકવાર ગુજરાતના ખેડૂતોની માંગણીને વાચા આપતો ર્નિણય કર્યો છે. રાજ્યભરમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે. રાજ્યનો કોઇપણ ખેડૂત ટેકાના ભાવે તુવેરના વેચાણથી વંચિત ન રહી જાય તે માટે ખરીદીનો સમય આગામી તા.૩૦ એપ્રિલ સુધી લંબાવવાનો કૃષિ મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ ર્નિણય કરવામાં આવ્યો છે.
આ સંદર્ભે માહિતી આપતા કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચાલુ વર્ષે તુવેર પાકનું મબલખ વાવેતર અને ઉત્પાદન નોંધાયું છે. ભારત સરકારે પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન હેઠળ તુવેર માટે રૂ.૭૫૫૦ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કર્યો હતો. ટેકાનો ભાવ સારો મળતા રાજ્યના ૧.૨૩ લાખથી વધુ ખેડૂતોએ તુવેરનું ટેકાના ભાવે વેચાણ કરવા માટે નોંધણી કરાવી હતી.
૮૪૧ કરોડથી વધુના મૂલ્યની તુવેરની ખરીદી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગત તા.૨૪ ફેબ્રુઆરીથી રાજ્યભરમાં ટેકાના ભાવે તુવેર પાકની ખરીદીનો શુભારંભ કરાવ્યો હતો. અત્યાર સુધીમાં રાજ્યના ૫૮,૩૦૦ જેટલા ખેડૂતો પાસેથી રૂ. ૮૪૧ કરોડથી વધુના મૂલ્યની કુલ ૧.૧૧ લાખ મેટ્રિક ટન તુવેરની ખરીદી કરવામાં આવી છે. નોંધણી કરાવી હોય અને તુવેરનું વેચાણ કરવાનું બાકી હોય તેવા તમામ ખેડૂતો પાસેથી આગામી તા.૩૦ એપ્રિલ સુધીમાં તુવેરની ખરીદી પૂર્ણ કરવામાં આવશે.