Last Updated on by Sampurna Samachar
ભાવનગરમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો
એક બાળકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તરાયણ પર્વના હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભાવનગરમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં અગાસી પર પતંગ ચગાવવા-લૂંટવા જતાં ત્રણ બાળકોને વીજ કરંટ લાગ્યો હતો. આ ઘટનામાં એક બાળકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે અન્ય બે બાળકી ગંભીર હોવાનું જણાય છે. ઈજાગ્રસ્તને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, ભાવનગરમાં પતંગ ચગાવવા-લૂંટવા જતાં ત્રણ બાળકોને વીજ કરંટ લાગ્યો હતો. આ ઘટના શહેરના શીતળા માતાના મંદિર પાસે ખોડિયાર નગર બની હતી. આ દુર્ઘટનામાં ૧૨ વર્ષીય નિકુંજ ગોકુળભાઈ મકવાણાનું મોત નીપજ્યું છે. બે બાળકીના હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.
ગોધરાના સાંપા ગામમાં બાળકીને દોરીથી કરંટ લાગ્યો
ભાવનગરમાં વીજ તારમાં ફસાયેલી પતંગને સળિયાથી નીકાળવા જતા બની દુર્ઘટના હતી. જેમાં સેજલ મકવાણા અને ખુશી મકવાણાને પણ ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો. આ બંને બાળકીઓ હાલ સારવાર હેઠળ છે.
બીજી તરફ પંચમહાલના ગોધરા તાલુકાના સાંપા ગામ ખાતે હાઈટેન્શન વીજ લાઈનમાં ફસાયેલી ચાઈનીઝ દોરી નીચે લટકી રહી હતી, ત્યારે ઘર આંગણે રમી રહેલી ૭ વર્ષીય કિંજલ આ દોરીના સંપર્કમાં આવી હતી. આ દુર્ઘટનામાં બાળકીને કરંટ લાગ્યો હતો. બાળકી બૂમાબૂમ કરતાં તેના પિતા તાત્કાલિક બહાર આવ્યા હતા અને લાકડા વડે બાળકીને વીજ પ્રવાહથી મુક્ત કરાવી હતી. પરંતુ વીજ કરંટના ઝટકાંના કારણે બાળકીના ડાબા હાથની એક આંગળી કપાઈને અલગ થઈ ગઈ હતી.
સમગ્ર ઘટનામાં બાળકી ગંભીર રીતે દાઝી ગઈ હોવાથી તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બાળકીની હાલત ગંભીર હોવાનું જણાય છે.