Last Updated on by Sampurna Samachar
રાજ્યમાં ગરમીનો પારો વધતાં લોકોના સ્વાસ્થય પર પડી રહી છે અસર
કાળઝાળ ગરમીના કારણે આ વર્ષ પ્રથમ મૃત્યુનો કિસ્સો
(સંપૂર્ણ સમાચાર સેવા)
માર્ચ મહિનામાં આકરો તાપ પડી રહ્યો છે. ત્યારે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયાતાને કારણે રાજ્યમાં માર્ચના છેલ્લા સપ્તાહમાં પણ બેવડી ઋતુનો અનુભવ યથાવત્ રહ્યો છે. રાજ્યમાં એક તરફ હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. તો બીજી તરફ મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીની નજીક પહોંચ્યો હતો. ત્યારે વડોદરા (VADODARA) માં સાવલીના શિહોરા ગામની ભાગોળે કૂવા પાસે લૂ લાગવાથી યુવકના મૃત્યુનો પ્રથમ કેસ નોંધાયો છે.

રાજ્યમાં ઉનાળાની ઋતુ બરાબરની જામી છે અને અત્યારે ગરમીનો પારો પણ બરાબરનો તપ્યો છે. ત્યારે રાજ્યમાં ઉંચું તાપમાન પણ નોંધાઈ રહ્યો છે. જે કાળઝાળ ગરમીના કારણે આ વર્ષ પ્રથમ મૃત્યુનો કિસ્સો સામે આવ્યો છે.
પોલીસ તપાસમાં મોત ગરમીથી થયાની માહિતી
મળતી માહિતી મુજબ વડોદરામાં કાળઝાળ ગરમીના કારણે ૧ નહિ ૨ નહિ પરંતુ ૩ લોકોનાં મૃત્યુ નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં આજવા રોડ, ખોડિયાર નગર, છાણીમાં એક-એકનું મોત નિપજ્યું છે. વડોદરામાં સાવલીના શિહોરા ગામની ભાગોળે કૂવા પાસે લૂ લાગવાથી યુવકના મૃત્યુનો પ્રથમ કેસ નોંધાયો છે. પોલીસે અજાણ્યા યુવકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં દાખલ કર્યો છે. જે પોલીસ તપાસમાં મોત ગરમીથી થયું હોવાનું સામે આવ્યું છે.
લૂ લાગવા, માથાના દુ:ખાવા, બેભાન થવાના લક્ષણો જોવા મળી રહ્યા છે. હોસ્પિટલોમાં ગરમીના કારણે લૂ, હીટસ્ટ્રોકના કેસો વધુ આવે છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યના મહત્તમ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે, જ્યારે લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં.