Last Updated on by Sampurna Samachar
શ્રીરામ દરબાર સહિત ૧૪ મૂર્તિઓની પણ થઈ પ્રતિષ્ઠા
અભિજિત મુહૂર્તમાં ૧૦૧ વૈદિક વિદ્વાનો દ્વારા રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભગવાન શ્રી રામની નગરી અયોધ્યા (AYODHYA) ખાતે બીજી વાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનુ આયોજન થયુ હતું. શ્રી રામ જન્મભૂમિ મંદિરના પ્રથમ માળે રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ યોજાયો હતો. ૩ જૂનથી શરૂ થયેલા આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભાગ લેવા માટે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રામ મંદિર પહોંચ્યા હતા.

રામનગરી અયોધ્યામાં મહોત્સવમાં સવારે અભિજિત મુહૂર્તમાં રામ મંદિરમાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ દરમિયાન મંદિર પરિસરમાં ભગવાનના શેષ અવતાર સહિત માં અન્નપૂર્ણા, ગણેશ, ભગવતી, ભગવાન શિવ, ભગવાન રામના પરિવારના દેવતા, ભગવાન સૂર્ય અને હનુમાનજીના મંદિર મળી કુલ ૮ મંદિરોમાં ૧૪ મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
CM યોગી આદિત્યનાથ રહ્યા હાજર
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા આયોજિત આ ત્રણ દિવસીય ધાર્મિક મહોત્સવની શરૂઆત ૩ જૂનથી થઈ હતી. જેમાં ગણેશ પૂજન, પ્રાયશ્ચિત કર્મ પૂજા અને મહિલાઓ દ્વારા ભવ્ય કળશ યાત્રા જેવી વિધિઓ યોજાઈ હતી. બીજા દિવસે યજ્ઞશાળામાં હવન, આરતી અને અન્નાધિવાસ, ઘૃતાધિવાસ, જલાધિવાસ જેવી વૈદિક વિધિઓનું આયોજન કરાયું હતું. જ્યાં અંતિમ દિવસે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ પ્રાણ પ્રતિષ્ઠાની પ્રક્રિયામાં સહભાગી થયા હતા.

આ વખતે ભગવાન શ્રીરામને રાજા રામના રૂપમાં તેમના પરિવાર – સીતા, લક્ષ્મણ, હનુમાન અને અન્ય સાથે રામ દરબારમાં સ્થાપિત કરવામાં આવ્યા. અભિજિત મુહૂર્તમાં ૧૦૧ વૈદિક વિદ્વાનો દ્વારા વૈદિક રીત-રિવાજો સાથે રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. આ ઉપરાંત, મંદિર પરિસરમાં આવેલા આઠ અન્ય મંદિરોમાં પણ દેવ વિગ્રહોની સ્થાપના કરવામાં આવી છે.
આ પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, આજે ગંગા દશેરાની પવિત્ર તિથિ છે, જેથી આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ અને પવિત્ર છે. મહારાજ ભગીરથની તપસ્યાને કારણે દિવ્ય નદીનું અવતરણ થયું અને મા ગંગાના કારણે, માત્ર મોક્ષ પ્રાપ્તિની ઇચ્છા જ નહીં, પરંતુ દરેક ભારતવાસીની ઇચ્છા પણ પૂર્ણ થઈ છે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ચંપત રાયે જણાવ્યું કે, આ ધાર્મિક વિધિઓ માટે સામાન્ય ભક્તોને આમંત્રણ આપવામાં આવ્યું નથી, કારણ કે પ્રથમ માળ અને આસપાસના મંદિરો હજુ નિર્માણ હેઠળ છે. જોકે, રામ લલ્લાના દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે. કાર્યક્રમને ધ્યાનમાં રાખીને અયોધ્યામાં ATS કમાન્ડો અને આર્મર્ડ વાહનો સાથે ઉચ્ચ સ્તરની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેથી આ ઐતિહાસિક ઘટના શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે.