Last Updated on by Sampurna Samachar
બિનહરીફ ચૂંટાતા વિપક્ષે વાંધો ઉઠાવ્યો
ભાજપ સંગઠનની મજબૂતી દર્શાવે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભાજપે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવ્યા બાદ હવે મહારાષ્ટ્રમાંથી ખુશખબર મળી છે. રાજ્યમાં બે ડિસેમ્બરે નગર પરિષદ અને નગર પંચાયતની ચૂંટણીઓ યોજાવાની છે, જોકે તે પહેલા જ ભાજપના ૧૦૦ કોર્પોરેટર બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. ભાજપના અધ્યક્ષ રવિેન્દ્ર ચૌહાણે કહ્યું કે, પાર્ટીના ૧૦૦ કોર્પોરેટર કોઈપણ મુકાબલા વગર જીતી ગયા છે. આ ઉપરાંત ભાજપના ત્રણ ઉમેદવારો નગર પરિષદની ચૂંટણી વગર અધ્યક્ષ પણ બની ગયા છે.

ભાજપ અધ્યક્ષે કહ્યું કે, કોંકણ વિસ્તારમાંથી ચાર, ઉત્તર મહારાષ્ટ્રમાં ૪૯, પશ્ચિમ મહારાષ્ટ્રમાં ૪૧ અને મરાઠાવાડા અને વિદર્ભમાંથી ત્રણ-ત્રણ ભાજપ ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. મતદાન પહેલા જ આટલી બધી બેઠકો મળી ગઈ છે, જે ભાજપ સંગઠનની મજબૂતી દર્શાવે છે. તેમણે જીતનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને આપ્યો છે.
ત્રણ ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરાશે
ભાજપ નેતાઓના સંબંધીઓ પણ બિનહરીફ ચૂંટાયા છે. જામનેરમાં જળ સંસાધન મંત્રી ગિરીશ મહાજનની પત્ની સાધના મહાજન કોઈપણ મુકાબલા વગર નગર પરિષદના અધ્યક્ષા ચૂંટાઈ આવ્યા છે. તેમની સામે ઉભેલા ઉમેદવારો છેલ્લી ઘડીએ નામ પરત ખેંચી લીધું હતું.
ધુલે જિલ્લામાં માર્કેટિંગ મંત્રી જયકુમાર રાવલની માતા નયન કુંવર રાવલ પણ બિનહરીફ ચૂંટાયા છે. તેમની સામેની ઉમેદાવરનું નામાંકન રદ થતા તે બિનહરીફ ચૂંટાયા છે. ચિખલદરા જિલ્લામાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પિતરાઈ ભાઈ અલ્હદ કાલોટી પણ મુકાબલો વગર બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.
ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા બાદ વિપક્ષે વાંધો ઉઠાવ્યો છે. શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ કહ્યું કે, ‘અમને બિનહરીફ ચૂંટાવા પર વાંધો નથી, પરંતુ માત્ર ભાજપના ઉમેદવારો કોઈપણ મુકાબલો લડ્યા વગર વારંવાર કેવી રીતે બિનહરીફ જીતી જાય છે?
ભાજપ પૈસા, શક્તિ અને તાકાતનો ઉપયોગ કરીને લોકશાહી પ્રક્રિયાને નુકસાન પહોંચાડી રહ્યું છે. કોંગ્રેસ નેતા યશોમતી ઠાકુરે આક્ષેપ કર્યો છે કે, ‘અન્ય ઉમેદવારોના નામ પરત ખેંચવા માટે ધમકાવવામાં આવી રહ્યા છે.’ રાજ્યમાં ૨૪૬ નગર પરિષદ અને ૪૨ નગર પંચાયત માટે બે ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે, જ્યારે ત્રણ ડિસેન્બરના રોજ મતગણતરી હાથ ધરાશે.