Last Updated on by Sampurna Samachar
યુવતી વરજાંગ કાકાની ઓફિસે ગઈ હતી
અડાજણ પોલીસ મથકમાં જમાઈ સહિત ૩ વિરુદ્ધ નોંધાવ્યો ગુનો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત શહેરના પુણાગામ વિસ્તારમાં રહેતી યુવતી થોડા દિવસ અગાઉ જયાં નોકરી કરતી હતી, ત્યાં દિવાળી બોનસ લેવા માટે ગઈ હતી. આ સમયે ઓફિસમાં ઘુસી આવેલા કાકાના જમાઈ અને મિત્રોએ કાકાને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી તેમને ચપ્પુ બતાવી બિલ્ડર કાકાની ઓફિસમાં મુકેલા રોકડા રૂપિયા -પાંચ લાખ બળજબરીથી લઈ લીધા હતા.

એટલું જ નહીં પરંતુ વધુ રૂપિયા ૧૦ કરોડની માંગણી કરી ‘જો તમે પૈસા નહીં આપો તો આ ન્યુડ ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી‘ આપી હતી. જેથી આખરે ભોગ બનનાર યુવતીએ મામલે અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય ઈસમો સામે ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરી હતી.
ત્રણેય આરોપીઓની ધરપકડ
મળતી માહિતી અનુસાર પુણાગામ વિસ્તારમાં સીતાનગર ચોકડી પાસે રહેતી યુવતી અડાજણ વિસ્તારમાં ભૂલકા ભવન પાસે આવેલ એસ્કોન પ્લાઝામાં બિલ્ડર વરજાંગ કાકાની ઓફિસમાં નોકરી કરતી હતી. દિવાળી સમય હોવાથી બોનસ લેવા માટે યુવતી વરજાંગ કાકાની ઓફિસે ગઈ હતી.
ગત તારીખ ૨૧-૧૦-૨૦૨૫ ના રોજ સાંજે ૫:૦૦ વાગ્યાના અરસામાં યુવતી વરજાંગ કાકાની ઓફિસમાં બોનસ લેવા માટે ગઈ ત્યારે તેમના જમાઈ જય ડાંગર, તેના મિત્ર પ્રશાંત પટેલ તથા અજાણ્યો ઈસમ અચાનક જ તેમની ઓફિસમાં ઘૂસી ગયા હતા અને કાકાને ગાળો આપી ધિક્કા મુક્કીનો ઢોર માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
એટલું જ નહીં પરંતુ વરજાંગ કાકાને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી પોલીસ ફરિયાદ નોંધાવનાર યુવતી સાથેના ન્યૂડ ફોટો અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી ચપ્પુ બતાવ્યું હતું અને વરજાંગ કાકા પાસે બળજબરીથી કોરા તથા લખાણ કરેલા કાગળોમાં સહીઓ કરાવી અંગૂઠાના નિશાન કરાવી લીધા હતા. સાથે સાથે યુવતીની પણ છેડતી કરી હતી.
આ ઉપરાંત બિલ્ડરને ધાક ધમકી આપી ઓફિસના ડ્રોવરમાં મુકેલા રોકડા રૂપિયા પાંચ લાખ બળજબરીથી પચાવી પાડ્યા હતા અને કાકા સસરાને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી વધુ રૂપિયા ૧૦ કરોડની ખંડણીની માંગ કરી હતી.
જોકે બાદમાં ત્રણેય પાંચ લાખ લઈ ધમકી આપી ઓફિસમાંથી નીકળી ગયા હતા. આખરે ભોગ બનનાર યુવતીએ આ મામલે અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વરજાંગ કાકાના જમાઈ જય ડાંગર, પ્રશાંત પટેલ અને અજાણ્યા ઈસમ સામે ગુનો દાખલ કરાવ્યો હતો. પોલીસે બનાવમાં ગુનો દાખલ કરી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી.