Last Updated on by Sampurna Samachar
સુરતમાં ૭ વર્ષના બાળક પર જર્મન શેફર્ડનો હુમલો
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત શહેરમાં પાલતુ શ્વાનના હુમલાની એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં પુણા રુદ્રમણિ સોસાયટીમાં રમી રહેલા એક ૭ વર્ષના બાળકને પાલતુ જર્મન શેફર્ડ શ્વાને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ હુમલો શ્વાન માલિકની હાજરીમાં જ થયો હતો.
મળતી માહિતી મુજબ, ૭ વર્ષનો બાળક સોસાયટીમાં રમી રહ્યો હતો ત્યારે અચાનક શ્વાને તેના પર હુમલો કરી દીધો. શ્વાને બાળકને કરડીને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો છે. બાળકના શરીરના અનેક ભાગો પર ઊંડા ઘા અને ઇજાઓ પહોંચી છે, જેના કારણે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
સ્થાનિક લોકો અને પરિવારે ન્યાયની માંગણી કરી
બાળકના પરિવારજનો જ્યારે શ્વાન માલિક પાસે આ અંગે ફરિયાદ કરવા ગયા, ત્યારે માલિકે સહકાર આપવાને બદલે ઉલટાની ધમકી આપી હતી. શ્વાન માલિકે ગેરવર્તણૂક કરતાં કહ્યું કે, “તમે કંઈ બગાડી નહીં લો, બધાને કોર્ટમાં લઈ જઈશ. જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી દો.” આ પ્રકારના ઉદ્ધત વલણને કારણે પરિવારની મુશ્કેલીઓ વધી છે.
આ મામલે ન્યાય મેળવવા માટે બાળકનો પરિવાર અને સ્થાનિક લોકો પુણા પોલીસ મથકે પહોંચ્યા હતા. જોકે, પોલીસનું વલણ પણ નિરાશાજનક રહ્યું હતું. પુણા પોલીસે બાળકના પરિવારની ફરિયાદ લેવાને બદલે માત્ર અરજી લઈને મામલો ટાળવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
શહેરના રહેણાંક વિસ્તારોમાં પાલતુ શ્વાનના હુમલાની ઘટનાઓ વધી રહી છે, ત્યારે પાલતુ શ્વાનના માલિકોની બેદરકારી અને કાયદાનું પાલન ન કરવું ગંભીર પ્રશ્ન ઊભો કરે છે. આ ઘટનામાં પોલીસ દ્વારા માત્ર અરજી લેવાતા, સ્થાનિક લોકો અને પરિવારે ન્યાય માટે સવાલો ઊભા કર્યા છે. બાળકના સ્વાસ્થ્ય અને ન્યાય માટે હવે આગળ શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું.