Last Updated on by Sampurna Samachar
શાસ્ત્રી બ્રિજ પર રોડ કાર્પેટીંગની કામગીરીથી પરિસ્થિતિ વધુ ગંભીર
પાણીની લાઈનમાં થયેલા ભંગાણથી ખાડા પડ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા ફતેગંજ–રાણેશ્વર સર્કલ નજીક મોડી રાત્રે પાણીની લાઈનમાં અચાનક ભંગાણ સર્જાયું હતું. આ ભંગાણના કારણે હજારો લીટર કિંમતી પીવાનું પાણી રસ્તા પર વેડફાઈ ગયું હતું.

પાણીની તીવ્ર ધારોને કારણે રસ્તા પર મોટા ખાડા પડી ગયા હતા, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.આ સ્થિતિમાં શાસ્ત્રી બ્રિજ પર ચાલી રહેલી રોડ કાર્પેટીંગની કામગીરીએ પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી હતી.
ખાડાઓને કારણે ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ
બ્રિજ પર એક તરફનો રસ્તો પહેલેથી જ બંધ હોવાથી અને બીજી બાજુ પાણીની લાઈનમાં થયેલા ભંગાણથી ઊભા થયેલા ખાડાઓને કારણે ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી. પરિણામે અનેક વાહનચાલકો લાંબા સમય સુધી રસ્તામાં અટવાઈ રહ્યા હતા.
આ સમગ્ર ઘટનામાં વિવિધ જાહેર વિભાગો વચ્ચે સંકલનનો અભાવ સ્પષ્ટ રીતે જોવા મળ્યો છે. તંત્ર દ્વારા પાણીની લાઈનમાં પડેલા ખાડાનું રીપેરિંગ કરવા માટે તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ રીપેરિંગ દરમિયાન પણ ટ્રાફિક પર વધારાનો ભાર પડતાં વાહનવ્યવહાર વધુ પ્રભાવિત થયો હતો.
આ ઘટનાએ શહેરની આધારભૂત સુવિધાઓ અને આયોજનની તૈયારી પર ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે.