Last Updated on by Sampurna Samachar
સાઇબેરિયા, મધ્ય એશિયા અને યુરોપથી પક્ષીઓ અહીં આવે છે
૨૦૦૪ અને ૨૦૨૪ વચ્ચે મોટો તફાવત સ્પષ્ટ દેખાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
શિયાળાની ગુલાબી ઠંડીમાં થોળ તળાવનો નજારો કંઈક અલગ જ હોય છે. અહીં પાણી અને આકાશ બંને પક્ષીઓથી ભરાઈ જાય છે. આ પક્ષીઓ માત્ર ભારતના જ નહીં, પરંતુ સાઇબેરિયા, મધ્ય એશિયા અને યુરોપના અતિશય ઠંડા પ્રદેશોમાંથી હજારો કિલોમીટરનો લાંબો અને કઠિન પ્રવાસ ખેડીને અહીં આવે છે. થોળ પક્ષી ગણતરીના ડેટા પર નજર કરીએ તો, ૨૦૦૪ અને ૨૦૨૪ વચ્ચે મોટો તફાવત સ્પષ્ટ દેખાય છે.

વર્ષ ૨૦૦૪માં અહીં કુલ ૧૮,૩૭૨ (અઢાર હજાર ત્રણસો બોતેર) પક્ષીઓ નોંધાયા હતા. જ્યારે ૨૦૨૪માં આ આંકડો ત્રણ ગણો વધીને ૫૫,૫૮૯ (પંચાવન હજાર પાંચસો નેવ્યાસી) પર પહોંચી ગયો છે. જે દર્શાવે છે કે થોળ હવે આંતરરાષ્ટ્રીય પક્ષીઓ માટે એક સુરક્ષિત અને પસંદગીનું સ્થળ બની ગયું છે.
ઇકોસિસ્ટમમાં સુધારા અને સંરક્ષણ પક્ષીઓની સંખ્યામાં વધારો
આ આંકડાઓમાં સૌથી ચોંકાવનારો બદલાવ ફ્લેમિંગો અને ક્રેન્સની સંખ્યામાં જોવા મળ્યો છે. ચાર્ટ મુજબ, વર્ષ ૨૦૦૪માં થોળમાં ફ્લેમિંગોની સંખ્યા શૂન્ય નોંધાઈ હતી. જેની સામે ૨૦૨૪માં ૧૨,૪૫૯ જેટલી જંગી સંખ્યામાં ફ્લેમિંગોએ થોળમાં ધામા નાખ્યા છે.
આ ઉપરાંત, કુંજ પક્ષીઓ એટલે કે ક્રેન્સની સંખ્યામાં પણ મોટો ઉછાળો આવ્યો છે.૨૦૦૪માં માત્ર ૩૮૦ ક્રેન્સ હતા, જે સંખ્યા ૨૦૨૪માં વધીને ૨૦૫૭ થઈ ગઈ છે. આ મોટા કદના આકર્ષક પક્ષીઓ હવે પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
જોકે, થોળમાં હંમેશાની જેમ બતક અને ગીઝ પ્રજાતિનું પ્રભુત્વ યથાવત છે. તેઓ સૌથી વધુ સંખ્યામાં આવતા મહેમાનો છે.૨૦૦૪ માં તેમની સંખ્યા ૮૬૭૯ હતી, જે ૨૦૨૪માં વધીને ૨૨,૧૦૯ થઈ ગઈ છે. આ સિવાય પેલિકન, હેરોન્સ, આઇબિસ, અને વેડર્સ સહિત કુલ ૧૫૦ થી વધુ પ્રજાતિઓ પણ મુખ્ય અને આકર્ષક ૧૮ જેટલા વિવિધ ગ્રુપના પક્ષીઓ અહીં જોવા મળે છે.
છેલ્લા ૨૦ વર્ષમાં અહીંના ઇકોસિસ્ટમમાં થયેલા સુધારા અને સંરક્ષણના પ્રયાસોને કારણે પક્ષીઓની સંખ્યામાં આ હકારાત્મક બદલાવ જોવા મળી રહ્યો છે, જે પર્યાવરણ પ્રેમીઓ માટે આનંદના સમાચાર છે.