Last Updated on by Sampurna Samachar
મુક્ત થનારે કહ્યુ રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર, કે હું મુક્ત થયો
નર્ક જેવો અહેસાસ થઇ ગયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (TRUMP) ગાઝા દ્વારા છોડવામાં આવેલા ૮ ઇઝરાયેલી બંધકોને મળ્યા હતા અને બાકીના બંધકોને મુક્ત કરાવવાનું વચન આપ્યું હતું. બંધકોમાંથી એકે ટ્રમ્પને કહ્યું કે, “મારો પરિવાર અને હું, અમે પોતે માનીએ છીએ કે તમને ભગવાને અમને મુક્ત કરવા માટે મોકલ્યા છે.” ઓવલ ઓફિસમાં એક મુલાકાત દરમિયાન હમાસ તરફથી મુક્ત કરવામાં આવેલા લોકોએ ડોનાલ્ડ ટ્રમ્પને તેમને આપવામાં આવેલી યાતનાઓ વિશે વાત કરી હતી.
મુક્ત થયેલા બંધકોને પૂછવામાં આવ્યું કે શું તે “નર્ક” હતું, ત્યારે એક મહિલાએ જવાબ આપ્યો કે, “કોઈની સાથે થયેલું આ સૌથી ખરાબ કૃત્ય હતું.” એક ઘટનાનું વર્ણન કરતાં મહિલાએ એ સમયને યાદ કર્યો જ્યારે એક કિડનેપરે યુવકોમાંથી એકને હાથકડી પહેરાવી અને તેનો હાથ કાપી નાખ્યો. જે બાદમાં તેને ચહેરા પર હાસ્ય હતું. મહિલાએ જણાવ્યું કે, “તેઓ અમારી સામે જમતા હતા અને અમને ભૂખે મારતા હતા.”
૪૦૦ થી વધુ દિવસ સુધી કેદમાં રહ્યા
એક અન્ય વ્યક્તિએ ૪૯૧ દિવસ સુધી કેદમાં રહીને દરરોજ ભૂખ્યા રહેવું, હિંસા અને અપમાન સહન કરવાની વાત વાગોળી હતી. તેણે કહ્યું, “મને ૭ ઓક્ટોબરે કિડનેપ કરી લેવાયો હતો. તે દિવસે મારી પત્ની અને બે પુત્રીઓની હત્યા કરી દેવાઈ હતી. એક વખતે તેમણે મારાં પાંસળીઓ તોડી નાખી હતી અને તે એટલું પીડાદાયક હતું કે હું એક મહિના સુધી શ્વાસ ન લઈ શક્યો. રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર, કે હું મુક્ત થયો અને મારી માતા અને બહેનને ફરીથી મળી શક્યો.”
આઠ મુક્ત કરાયેલા બંધકોમાંથી એક બુઝુર્ગ વ્યક્તિએ કહ્યું કે તેને ૩૩ વખત એકથી બીજી જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા. તેમણે કહ્યું, “મેં ટનલ્સમાં સમય વિતાવ્યો, જ્યાં શ્વાસ લેવા માટે હવા નહોતી, ભોજન નહોતું, પાણી પણ નહોતું.
મેં બંધકોને ભયાનક પીડાઓ આપતાં જોયા હતા, જેમની સાથે મેં સમય વિતાવ્યો.” તેમણે ટ્રમ્પ અને એડમિનિસ્ટ્રેશનનો તેમના ‘મહાન પ્રયત્નો‘ માટે આભાર વ્યક્ત કર્યો હતો. એક વ્યક્તિએ કહ્યું, “મારો નાનો ભાઈ આજે પણ ત્યાં જ છે.” તેની પર ટ્રમ્પની પાસે ઊભેલી એક મહિલાએ કહ્યું કે, “ઘણા બધા બંધકો છે, જે મુક્ત થવાની રાહ જોઈ રહ્યા છે.”
અન્યએ કહ્યું, “અમને લાગે છે કે તેઓ તમારા થકી બહાર નીકળી શકે છે.” ગાઝાથી મુક્ત થયેલા બંધકે જણાવ્યું કે, “અમે તમારા કારણે અહીં છીએ. અમે તમારા કારણે જીવિત છીએ અને સ્વતંત્ર છીએ.” રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે, “આ અવિશ્વસનીય છે. મેં ઘણા લોકોને બચાવ્યા છે, પરંતુ મેં હજી સુધી ક્યારેય એવું નથી જોયું જ્યાં તમે તે પરિસ્થિતિઓમાં રહ્યા છો. ભયાનક કહાનીઓ. વિશ્વાસ પણ ન થઈ શકે. અમે તેમને મુક્ત કરાવીશું.”