Last Updated on by Sampurna Samachar
અમેરિકાની એક સબમરીને ઈરાનનું યુદ્ધ જહાજ ડુબાડ્યું
અમેરિકાની એક સબમરીને ઈરાનના યુદ્ધ જહાજ IRIS Denaને ટોર્પિડોથી નિશાન બનાવીને ડૂબાડી દીધું છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈરાન અને અમેરિકા-ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ વધુ વિનાશક બન્યો છે. યુદ્ધના છઠ્ઠા દિવસે એક એવી ઘટના સામે આવી જેણે ભારતના આસપાસના વિસ્તારમાં પણ તણાવ વધારી દીધો છે.અમેરિકાની એક સબમરીને ઈરાનના યુદ્ધ જહાજ IRIS Denaને ટોર્પિડોથી નિશાન બનાવીને ડૂબાડી દીધું છે. આ હુમલો શ્રીલંકાના દક્ષિણ કિનારાની પાસે આંતરરાષ્ટ્રીય સમુદ્રમાં થયો.

આ ઘટનામાં ઓછામાં ઓછા ૮૭ ઈરાની સૈનિકોના મોત થઈ ગયા, જ્યારે ઘણાં ઘાયલ હોવાનું જણાવાઈ રહ્યું છે. અમેરિકાના રક્ષા મંત્રી પીટ હેગસેથે આ હુમલાની પુષ્ટિ કરતા કહ્યું કે, અમેરિકન સબમરીને ઈરાની યુદ્ધ જહાજ પર ટોર્પિડો છોડી જહાજને ડૂબાડી દીધું.
કાર્યવાહીમાં માર્ક-૪૮ પ્રકારના હેવી ટોર્પિડોનો કરાયો ઉપયોગ
તેઓએ આને એક શાંત પરંતુ નિર્ણાયક હુમલો ગણાવ્યો. અમેરિકન રક્ષા વિભાગ અનુસાર આ કાર્યવાહીમાં માર્ક-૪૮ પ્રકારના હેવી ટોર્પિડોનો ઉપયોગ કરવામાં આવ્યો. નિષ્ણાતોનું કહેવું છે કે, આ ઘટના એટલા માટે મહત્વપૂર્ણ છે, કેમ કે દ્વિતીય વિશ્વ યુદ્ધ બાદ પહેલીવાર કોઈ અમેરિકન સબમરીને ટોર્પિડોથી દુશ્મન જહાજને ડૂબાડ્યું છે.
શ્રીલંકાના અધિકારીઓને સવારે લગભગ ૫ વાગ્યે જહાજમાંથી સંકટ સંદેશ મળ્યો હતો. ત્યારબાદ શ્રીલંકાની નૌસેનાએ તરત જ બચાવ અભિયાન શરૂ કર્યું. શ્રીલંકાના વિદેશ મંત્રીએ જણાવ્યું કે જહાજમાંથી વિસ્ફોટની માહિતી મળી હતી. આંતરરાષ્ટ્રીય સમુદ્રી નિયમો મુજબ, શ્રીલંકાને બચાવ અભિયાન ચલાવવું પડ્યું કારણ કે આ વિસ્તાર તેના શોધ અને બચાવ ક્ષેત્રમાં આવે છે.
આ ઘટનાએ સ્પષ્ટ કરી દીધું છે કે વૈશ્વિક સંઘર્ષની અસર હવે હિંદ મહાસાગર વિસ્તારમાં પણ પહોંચી શકે છે. આવી સ્થિતિમાં ભારતે પોતાના કૂટનીતિક અને સુરક્ષા હિતોને ધ્યાનમાં રાખીને સાવધાનીપૂર્વક પગલાં લેવા જરૂરી છે. આ ઘટનાને કારણે ભારતની સુરક્ષા અને કૂટનીતિક સ્થિતિ અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે.પૂર્વ નૌસેનાના પ્રમુખ અરુણ પ્રકાશે જણાવ્યું કે શ્રીલંકાની પાસે ઈરાનના યુદ્ધપોતનું ડૂબવું ખૂબ જ ચિંતાજનક છે. તેમનું માનવું છે કે આથી આંતરરાષ્ટ્રીય સમુદ્રી માર્ગોમાં તણાવ વધી શકે છે અને વૈશ્વિક સમુદ્રી વેપાર પર પણ અસર પડી શકે છે.
તેમણે એ પણ કહ્યું કે આથી એ સંકેત મળે છે કે મધ્ય-પૂર્વનો સંઘર્ષ હવે હિંદ મહાસાગર વિસ્તારમાં ફેલાઈ શકે છે.
કેટલાક વિશ્લેષકોનું કહેવું છે કે અમેરિકા અને ભારત વચ્ચે થયેલા LEMOA કરારના કારણે ભારતને આ વિસ્તારમાં વ્યૂહાત્મક દબાણનો સામનો કરવો પડી શકે છે. જાેકે ઘણા નિષ્ણાતોનું માનવું છે કે, કારણ કે હુમલો આંતરરાષ્ટ્રીય સમુદ્રી વિસ્તારમાં થયો છે, તેથી તેને સીધા ભારતના વિસ્તારમાં જાેડવું યોગ્ય નથી.