Last Updated on by Sampurna Samachar
૨૦૨૪ માં સાયબર ગુનેગારોએ લોકો સાથે રૂ.૨૨ કરોડની કરી છેતરપિંડી
દેશમાં સાયબર ગુનાના કેસ ઘટવાના કોઇ સંકેત નહીં
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશના ખૂણે ખૂણેથી સાયબર ક્રાઈમની ઘટનાઓ બહાર આવી રહી છે. સાયબર ગુનેગારો સામાન્ય લોકોને નિશાન બનાવી રહ્યા છે. ૨૦૨૧ ની સરખામણીમાં ૨૦૨૨ માં દેશમાં સાયબર ગુનામાં ૧૨૭ ટકાનો વધારો નોંધાયો છે. સાયબર ગુનામાં વધારો થવાનો આ ટ્રેન્ડ વર્ષ-દર-વર્ષ આગળ વધી રહ્યો છે.

લોકસભામાં સરકારે રજૂ કરેલા આંકડા મુજબ, ૨૦૨૪ માં સાયબર ગુનેગારોએ લોકો સાથે રૂ.૨૨,૮૪૫ કરોડની છેતરપિંડી કરી હતી. આ ૨૦૨૩ ની સરખામણીમાં લગભગ ત્રણ ગણા વધારે છે. લોકસભામાં, ગૃહ રાજ્યમંત્રી બંદી સંજય કુમારે JDU ના અજય કુમાર મંડલના પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી.
સાયબર ક્રાઇમના કારણે સામાન્ય લોકોને વધુ નુકશાન
મંડલે જવાબ માંગ્યો કે, છેલ્લા ત્રણ વર્ષમાં NCRP (નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ) પર કેટલા ગુના નોંધાયા છે. તેમણે આ ત્રણ વર્ષ દરમિયાન લોકોને થયેલા નુકસાનની વિગતો પણ માંગી હતી. તેઓ એ પણ જાણવા માંગતા હતા કે, આમાંથી કેટલા ગુના ઉકેલાયા છે અને બાકીના કેસોની સ્થિતિ શું છે.
આ પ્રશ્નોના જવાબમાં, સરકારે જણાવ્યું હતું કે, ૨૦૨૧ માં નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર ૪,૫૨,૪૨૯ સાયબર ક્રાઇમ ઘટનાઓ નોંધાઈ હતી. સરકારના જણાવ્યા મુજબ, ૨૦૨૨ માં આ સંખ્યા વધીને ૧,૦૨૯,૦૨૬ થઈ ગઈ હતી. ૨૦૨૧ ની સરખામણીમાં, ૨૦૨૨ માં સાયબર ક્રાઇમના કેસોમાં ૧૨૭.૪૪ ટકાનો વધારો થયો હતો.
૨૦૨૩ માં આ પોર્ટલ પર કુલ ૧,૫૯૬,૪૯૧ કેસ નોંધાયા હતા. ૨૦૨૨ ની સરખામણીમાં, ૨૦૨૩ માં ૫૫.૧૫ ટકાનો વધારો થયો હતો. ૨૦૨૪ માં, દેશમાં સાયબર ક્રાઇમના ૨,૨૬૮,૩૪૬ કેસ નોંધાયા હતા. ૨૦૨૩ ની સરખામણીમાં આ ૪૨.૦૮ ટકાનો વધારો હતો.
સાયબર છેતરપિંડી કરનારાઓ દ્વારા કેટલા કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી? તેના જવાબમાં, સરકારે આ સાયબર ક્રાઇમના કારણે સામાન્ય લોકોને થયેલા નુકસાનની માહિતી પણ આપી હતી. સરકારના જણાવ્યા મુજબ, ૨૦૨૨ માં, સાયબર ક્રાઇમના કારણે સામાન્ય લોકોને રૂ.૨,૨૯૦.૨૪ કરોડનું નુકસાન થયું હતું. તેવી જ રીતે, ૨૦૨૩ માં, ૭,૪૬૫.૧૮ કરોડનું નુકસાન થયું હતું અને ૨૦૨૪ માં, ૨,૮૪૫.૭૩ કરોડનું નુકસાન થયું હતું.