Last Updated on by Sampurna Samachar
વધુ મતદાનથી બદલાઈ જશે સરકાર
મતદાનનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહાર વિધાનસભા ચૂંટણીનો પ્રથમ તબક્કો ઐતિહાસિક બની ગયો. ૧૮ જિલ્લાની ૧૨૧ સીટો પર મતદાનમાં ૬૪.૬૬ ટકા લોકોએ મતદાન કર્યું. જો મત ટકાવારીની વાત કરીએ તો તે પાછલી ચૂંટણી કરતા આશરે ૮ ટકા વધુ રહ્યું છે, પરંતુ આ આંકડા મુખ્યમંત્રી નીતિશ કુમારની ચિંતા વધારનારા છે. જાે અત્યાર સુધીની પેટર્ન જોવામાં આવે તો જ્યારે-જ્યારે મતદાનમાં પાંચ ટકાથી વધુ વધારો થયો, ત્યારે સત્તા પરિવર્તન થયું છે.

બિહારમાં આ વખતની ચૂંટણી અદ્ભુત માનવામાં આવી રહી છે, કારણ કે સૌથી વધુ મતદાન થયું છે. વર્ષ ૨૦૨૦ની વાત કરીએ તો પ્રથમ તબક્કામાં ૫૬.૧ ટકા મતદાન થયું હતું, પરંતુ તે સમયે પ્રથમ ફેઝમાં ૭૧ સીટો માટે મતદાન થયું હતું, જ્યારે આ વખતે ૧૨૧ સીટો પર મતદાન થયું છે.
પાંચ ટકા વધુ મતદાન થયું, ત્યારે-ત્યારે સરકાર બદલાઈ
ચૂંટણી પંચના આંકડા પ્રમાણે આ વખતે બિહાર ચૂંટણીના પ્રથમ તબક્કામાં ૬૪.૬૬ ટકા મતદાન તયું. સૌથી મહત્વની વાત છે કે મતદાન ટકાવારીની સીધી અસર ચૂંટણી પરિણામ પર પડે છે. જો પેટર્નને જુઓ તો જ્યારે-જ્યારે પાંચ ટકા વધુ મતદાન થયું, ત્યારે-ત્યારે સરકાર બદલાઈ ગઈ છે.
૧૯૬૨માં મતદાન ૪૪.૫ ટકા હતું, પરંતુ ૧૯૬૭માં તે ૫૧.૫ ટકા થયું. મતોમાં આ ૭ ટકાના વધારાને કારણે કોંગ્રેસ સત્તા ગુમાવી. બિહારમાં આ પહેલી વાર બિન-કોંગ્રેસી સરકાર રચાઈ. તેવી જ રીતે, ૧૯૮૦માં મતદાન ૫૭.૩ ટકા હતું, જ્યારે ૧૯૭૭માં ૫૦.૫ ટકા હતું. આ ચૂંટણીઓ વચ્ચે ૬.૮ ટકાનો તફાવત હોવા છતાં, સરકાર બદલાઈ ગઈ. જનતા પાર્ટીનો પરાજય થયો અને કોંગ્રેસ સત્તામાં પાછી આવી.
જો ૧૯૫૧-૫૨ ની વાત કરીએ તો ૪૨.૬ ટકા મતદાન થયું હતું. ત્યારબાદ ૧૯૫૭મા ૪૩.૨૪, ૧૯૬૨મા ૪૪.૪૭ અને ૧૯૬૭મા ૫૧.૫૧ ટકા મતદાન થયું હતું. ૧૯૬૯માં ૫૨.૭૯ ટકા અને ૧૯૭૨માં ૫૨.૭૯ ટકા મતદાન થયું હતું. તેવી જ રીતે, ૨૦૨૦ની ચૂંટણીમાં ૫૭.૨૯ ટકા, ૨૦૧૫માં ૫૬.૯૧ ટકા અને ૨૦૧૦માં ૫૨.૭૩ ટકા મતદાન થયું હતું.