Last Updated on by Sampurna Samachar
હવે રિઝર્વ ટિકીટમાં મુસાફરો મુસાફરીની તારીખ બદલી શકશે
ભારતીય રેલવે એક નવી નીતિ લાગુ કરી રહી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુસાફરો વારંવાર ભારતીય રેલવે પર ટ્રેનોની સંખ્યા અને સીટોની ઉપલબ્ધતા અંગે ફરિયાદ કરે છે. જોકે, આ સમસ્યાઓ સાથે, બીજી એક સમસ્યા જે ઘણીવાર મુસાફરોને પરેશાન કરે છે તે છે મુસાફરીની તારીખ. મુસાફરોને ટૂંક સમયમાં આ સમસ્યામાંથી મુક્તિ મળશે, જેનો સંકેત કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતે આપ્યો છે. અચાનક બદલાતા સંજોગોમાં મુસાફરો માટે તેમની મુસાફરીની તારીખો બદલવાનું સરળ બનાવવા માટે ભારતીય રેલવે એક નવી નીતિ લાગુ કરી રહી છે.
મીડિયા અહેવાલ મુજબ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, જાન્યુઆરી ૨૦૨૬થી શરૂ કરીને, મુસાફરો કોઈપણ વધારાના ફી વિના તેમની કન્ફર્મ ટિકિટની મુસાફરીની તારીખ ઓનલાઈન બદલી શકશે. હાલમાં, જો કોઈ મુસાફર પોતાની મુસાફરીની તારીખ બદલવા માંગે છે, તો તેણે સૌ પહેલા તો પોતાની રિઝર્વેશન ટિકિટ રદ કરવી પડે છે અને નવી ટિકિટ બુક કરાવવી પડે છે. આ પ્રક્રિયામાં રદ કરવાના સમયના આધારે રિફંડ કપાતનો સમાવેશ થાય છે.
લાખો મુસાફરો માટે ફાયદાકારક સાબિત થશે
આ માત્ર ખર્ચમાં વધારો જ નથી કરતું પણ મુસાફરોને અસુવિધા પણ પહોંચાડે છે. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, “આ સિસ્ટમ મુસાફરોના હિતમાં નથી અને તેને બદલવાની જરૂર છે.” તેમણે એમ પણ કહ્યું કે આ ફેરફાર લાગુ કરવા માટે પહેલાથી જ સૂચનાઓ આપવામાં આવી છે.
જોકે, મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે, નવી નીતિ હેઠળ, મુસાફરોને નવી તારીખે કન્ફર્મ ટિકિટની ગેરંટી આપવામાં નહીં આવે, કારણ કે આ જે તે ટ્રેનમાં સીટની ઉપલબ્ધતા પર ર્નિભર રહેશે. જો નવી મુસાફરી માટે ભાડું વધારે હશે, તો મુસાફરોએ તેનો તફાવત ચૂકવવો પડશે. આ પગલું લાખો મુસાફરો માટે ફાયદાકારક સાબિત થશે. જેઓ હાલમાં તેમની મુસાફરીની તારીખો બદલતી વખતે ટિકિટ રદ કરવાની ફીનો સામનો કરે છે.
રિઝર્વેશન ટિકિટના વર્તમાન નિયમ અનુસાર, નિર્ધારિત ટ્રેન પ્રસ્થાનના ૪૮ થી ૧૨ કલાક પહેલા ટિકિટ રદ કરવા પર ૨૫ % કપાત કરવામાં આવે છે. જાે કે, જાે ટિકિટ ટ્રેન પ્રસ્થાનના ૧૨ થી ૪ કલાક પહેલા રદ કરવામાં આવે છે, તો કપાત વધુ થાય છે. અને એકવાર રિઝર્વેશનનો ચાર્ટ તૈયાર થઈ જાય, ત્યાર પછી જાે ટિકિટ રદ કરાવવામાં આવે તો સામાન્ય રીતે કોઈ રિફંડ મળતું નથી.
નવી નીતિ લાગુ થયા પછી, મુસાફરોને અચાનક મુસાફરીમાં ફેરફાર થવાથી થતી નાણાકીય અને માનસિક અસુવિધાનો સામનો કરવો પડશે તેવી શક્યતા ઓછી થશે. જાેકે, હજુ સુધી કોઈ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી. રેલવે મંત્રીએ જણાવ્યું છે કે આ નીતિ જાન્યુઆરીમાં લાગુ કરવામાં આવશે, તેથી શક્ય છે કે આગામી દિવસો અને અઠવાડિયામાં આ અંગે કેટલીક સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવશે.