Last Updated on by Sampurna Samachar
વડાપ્રધાન મોદી દ્વારા વિશ્વના સૌથી ઉંચા રેલવે પુલનુ ઉદ્ધાટન
પાકિસ્તાનનો ઇરાદો ભારતમાં અશાંતિ ફેલાવવાનો છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડાપ્રધાન મોદી દ્વારા ચેનાબ નદી પર વિશ્વના સૌથી ઊંચા રેલવે કમાન પુલ પર ત્રિરંગો ફરકાવવામાં આવ્યો હતો. વાત કરીએ તો તે ફક્ત ઉદ્ઘાટન સમારોહ નહોતો. તે એક પ્રતીક હતું. ભારતની સાર્વભૌમત્વ, આર્ત્મનિભરતા અને વ્યૂહાત્મક શક્તિનું. ઉદ્ઘાટન સમારોહમાં, પ્રધાનમંત્રી મોદીએ તેને વિકાસ અને વિશ્વાસનું પ્રતીક ગણાવ્યું અને કહ્યું કે આ પુલ દેશની એકતા, પ્રગતિ અને સંકલ્પનું પ્રતીક છે.

PM નરેન્દ્ર મોદીએ કહ્યું, ” જમ્મુ અને કાશ્મીર ભારત માતાનો મુગટ છે. આ મુગટ સુંદર રત્નોથી જડિત છે. આ વિવિધ રત્નો જમ્મુ અને કાશ્મીરની તાકાત છે. આ રત્નો છે, અહીંની પ્રાચીન સંસ્કૃતિ, અહીંની પરંપરાઓ, અહીંની આધ્યાત્મિક ચેતના, પ્રકૃતિની સુંદરતા, અહીંની ઔષધિઓની દુનિયા, ફળો અને ફૂલોનો વિસ્તાર, અહીંના યુવાનોની કુશળતા. જેને કારણે મુગટ ચમકે છે.
અતૂટ ઇચ્છાશક્તિની એક વિશાળ ઉજવણી
PM મોદીએ કહ્યું કે કેન્દ્રમાં ભાજપ (BHAJAP) સરકારના ૧૧ વર્ષ પૂર્ણ થયા છે અને આ વર્ષો ગરીબ કલ્યાણ અને રાષ્ટ્ર નિર્માણ માટે સંપૂર્ણપણે સમર્પિત રહ્યા છે. “વિકસિત ભારતનું સ્વપ્ન જેટલું મોટું છે તેટલું જ તે મજબૂત છે. આજનો કાર્યક્રમ ભારતની એકતા અને તેની અતૂટ ઇચ્છાશક્તિની એક વિશાળ ઉજવણી છે.” PM એ કહ્યું, ” ૪૬,૦૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યું છે તે જમ્મુ અને કાશ્મીરના વિકાસને નવી ગતિ આપશે.”
પહેલગામ આતંકવાદી હુમલાની કડક નિંદા કરતા , PM મોદીએ પાકિસ્તાન પર સીધો હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે આ હુમલા દ્વારા પાકિસ્તાને માત્ર માનવતા જ નહીં. પરંતુ કાશ્મીરીયત પર પણ હુમલો કર્યો છે. PM મોદીએ કહ્યું, ” પાકિસ્તાનનો ઈરાદો ભારતમાં અશાંતિ ફેલાવવાનો અને રમખાણો ભડકાવવાનો હતો. તે દેશના પર્યટન ઉદ્યોગને નબળો પાડવા માંગે છે. જેથી જમ્મુ અને કાશ્મીરના ગરીબ લોકોની આજીવિકા પ્રભાવિત થાય.”તેમણે કહ્યું કે આતંકવાદીઓએ આદિલ નામના એક સ્થાનિક વ્યક્તિને પણ મારી નાખ્યો, જે પોતાના પરિવાર માટે સખત મહેનત કરી રહ્યો હતો. આ સાબિતી છે કે આતંકવાદ ફક્ત નિર્દોષ લોકોને જ નિશાન બનાવે છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે હવે જમ્મુ અને કાશ્મીરના લોકો પાકિસ્તાનના આ કાવતરાઓ સામે એક થયા છે. તેમણે કહ્યું, “ખીણના લોકોએ આતંકવાદને યોગ્ય જવાબ આપવાનો સંકલ્પ કર્યો છે. એટલું જ નહીં, આતંકવાદીઓએ અહીં શાળાઓને પણ બાળી નાખી હતી, પરંતુ હવે જનતાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેઓ નફરતના એજન્ડાને સ્વીકારશે નહીં.”
PM મોદીએ એ પણ પુનરોચ્ચાર કર્યો કે તેમની સરકાર દરેક પ્રકારના આતંકવાદનો નિર્ણાયક જવાબ આપશે અને જમ્મુ અને કાશ્મીરને વિકાસ અને શાંતિની નવી ઊંચાઈઓ પર લઈ જશે. PM મોદીએ કહ્યું કે ૬ જૂન આપણને એ ઐતિહાસિક રાતની યાદ અપાવે છે. જ્યારે ભારતે આતંકવાદ સામે નિર્ણાયક કાર્યવાહી કરી હતી.
તેમણે કહ્યું, “યાદ કરો કે ૬ મેની રાત્રે શું થયું હતું. હવે જ્યારે પણ પાકિસ્તાન ‘ ઓપરેશન સિંદૂર‘નું નામ સાંભળશે , ત્યારે તેને ભારતની તાકાત યાદ આવશે. તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે ભારત તેના ઘરમાં ઘૂસીને આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરશે.” પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતના આ સર્જિકલ પ્રતિભાવથી પાકિસ્તાન ગુસ્સે ભરાયું અને તેણે જમ્મુ ક્ષેત્રના સામાન્ય નાગરિકોને નિશાન બનાવ્યા. તેમણે કહ્યું, “આખી દુનિયાએ જોયું કે પાકિસ્તાને મંદિરો, મસ્જિદો અને શાળાઓ પર કેવી રીતે ગોળીબાર કર્યો.
તેમણે કહ્યું કે આ હુમલામાં જીવ ગુમાવનારાઓના પરિવારોને તાજેતરમાં સરકારી નોકરીઓ આપવામાં આવી છે. ઉપરાંત, જેમના ઘરો નાશ પામ્યા હતા તેમને આર્થિક મદદ પણ આપવામાં આવી છે. હવે કેન્દ્ર સરકારે ર્નિણય લીધો છે કે આ અસરગ્રસ્ત પરિવારોને વધુ મદદ આપવામાં આવશે. જેમના ઘરોને આંશિક નુકસાન થયું છે તેમને એક લાખ રૂપિયા મળશે. જ્યારે, જે ઘરોને ગોળીબારથી ઘણું નુકસાન થયું છે તેમને બે લાખ રૂપિયા મળશે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાને જમ્મુ-કાશ્મીરની મુલાકાતે પહોંચી ચિનાબ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. ચિનાબ બ્રિજ દુનિયાનો સૌથી ઊંચો રેલવે આર્ચ બ્રિજ છે, જે કાશ્મીર ઘાટીને આખા ભારત સાથે દરેક ઋતુમાં રેલ સંપર્ક પ્રદાન કરશે અને કટરા-શ્રીનગર યાત્રાનો સમય ઘટાડશે. પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ વડાપ્રધાનની આ પહેલી કાશ્મીર મુલાકાત છે.
આ પહેલથી કનેક્ટિવિટીમાં સુધારો થશે. બ્રિજના ઉદ્ઘાટન સાથે એવું પણ કહેવામાં આવે છે કે, આનાથી ‘દિલની દૂરી અને દિલ્હીનું અંતર ઘટશે.‘ વડાપ્રધાનના આ કાશ્મીર પ્રવાસ બાદ પર્યટન અને આર્થિક વિકાસને પણ વેગ મળશે. ચિનાબ બ્રિજ અને અંજી પુલના કારણે મુસાફરીનો સમય ઘટીને ૩ કલાક થઈ જશે અને વેપાર તેમજ પ્રવાસ ઉદ્યોગને પણ વેગ મળશે.