Last Updated on by Sampurna Samachar
દિગ્ગજ ખેલાડીના નિધન પર શોક વ્યક્ત કર્યો
ડૉ. વેસ પેસે ૮૦ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા
(સંપૂર્ણ સમાચાર સેવા)
એશિયા કપ ૨૦૨૫ માટે BCCI ગમે ત્યારે ટીમની જાહેરાત કરી શકે છે, તેથી BCCI ની દરેક પોસ્ટ પર બધાની નજર છે. એશિયા કપ માટે ટીમની જાહેરાત થાય તે પહેલા જ બોર્ડ શોકમાં ડૂબી ગયું છે. BCCI સાથે સંકળાયેલા એક મોટા વ્યક્તિનું નિધન થયું છે, જેના કારણે બોર્ડે શોક વ્યક્ત કર્યો છે. BCCI સચિવ દેવજીત સૈકિયાએ પણ આ દિગ્ગજ ખેલાડીના નિધન પર શોક વ્યક્ત કર્યો અને તેમને યાદ કર્યા.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ ભૂતપૂર્વ ભારતીય ઓલિમ્પિયન અને જાણીતા સ્પોર્ટ્સ મેડિસિન નિષ્ણાત ડૉ. વેસ પેસના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે ૮૦ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેમણે ૧૯૭૨ મ્યુનિક ઓલિમ્પિકમાં ટીમ ઇન્ડિયા માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. એટલું જ નહીં, તેમણે ૧૯૭૧માં હોકી વર્લ્ડ કપમાં પણ પોતાના દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
BCCI તેમના પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી
BCCI એ તેની મીડિયા એડવાઈઝરીમાં શોક વ્યક્ત કર્યો અને લખ્યું, ૧૯૭૨ના મ્યુનિક ઓલિમ્પિકમાં ભારતની બ્રોન્ઝ મેડલ વિજેતા પુરુષ હોકી ટીમના સભ્ય, ડૉ. પેસ પ્રતિભા ધરાવતા ખેલાડી અને પ્રશાસક હતા. BCCI તેમના પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે. તેમણે ૧૯૭૧ ના હોકી વર્લ્ડ કપમાં પણ દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમની શાનદાર રમત કારકિર્દી પછી તેમણે સ્પોર્ટ્સ મેડિસિન ક્ષેત્રે પોતાને સમર્પિત કરી દીધા અને વિવિધ રમતોમાં ખેલાડીઓની સેવા કરવામાં વિશિષ્ટતા અને કાળજી સાથે યોગદાન આપ્યું.
BCCI એ વધુમાં જણાવ્યું હતું કે, ડૉ. પેસ ઓક્ટોબર ૨૦૧૦ થી માર્ચ ૨૦૧૮ સુધી BCCI સાથે એન્ટી-ડોપિંગ અને એજ વેરિફિકેશન કન્સલ્ટન્ટ તરીકે સંકળાયેલા હતા. તેમણે BCCI માં એન્ટી-ડોપિંગ માટે માળખાગત શૈક્ષણિક કાર્યક્રમો શરૂ કર્યા, જેનાથી ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફમાં જાગૃતિ અને પાલનમાં નોંધપાત્ર વધારો થયો. તેમની કુશળતા અને પ્રતિબદ્ધતાએ બોર્ડના એન્ટી-ડોપિંગ શિક્ષણ અને પરીક્ષણ માળખાને મજબૂત બનાવવામાં તેમજ એજ વેરિફિકેશન અને ખેલાડી કલ્યાણ પહેલને અમલમાં મૂકવામાં મુખ્ય ભૂમિકા ભજવી. તેમની વ્યાવસાયિક પ્રામાણિકતા અને રમત પ્રત્યેના જુસ્સાએ ભારતીય ક્રિકેટની સપોર્ટ સિસ્ટમ્સ પર અમીટ છાપ છોડી.