Last Updated on by Sampurna Samachar
ઈરફાન પઠાણ શોએબ મલિકને મેદાનમાં ગળે ભેટ્યો
ભારત-પાકિસ્તાન ક્રિકેટ વિવાદોથી તદ્દન વિપરીત રહ્યો નજારો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા નો હેન્ડ શેક વિવાદ વચ્ચે ખેલ ભાવનાની એક તસવીર સાઉદી અરેબિયામાં જોવા મળી હતી. વર્લ્ડ ક્રિકેટ ફેસ્ટિવલમાં રમાયેલી F૨ ડબલ-વિકેટ મેચ બાદ પાકિસ્તાનના દિગ્ગજ ઓલરાઉન્ડર શોએબ મલિક અને ભારતના પૂર્વ ફાસ્ટ બોલર ઈરફાન પઠાણ એક-બીજાને ગળે મળ્યા. આ મોમેન્ટ હવે સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાઈરલ થઈ રહ્યો છે.

જેદ્દાહની કિંગ અબ્દુલ અઝીઝ યુનિવર્સિટીમાં રમાયેલી આ મેચમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું હતું. મેચ બાદ જારી કરાયેલા હાઈલાઇટ વીડિયોમાં બંને ટીમોના ખેલાડીઓ હેન્ડ શેક, હાઈ-ફાઈવ કરતા અને હસતા નજર આવ્યા. આ દરમિયાન જ ઈરફાન પઠાણ શોએબ મલિકને મેદાનમાં ગળે ભેટ્યો. આ નજારો તાજેતરના ભારત-પાકિસ્તાન ક્રિકેટ વિવાદોથી તદ્દન વિપરીત હતો.
પાકિસ્તાનનો સામનો કરવાનો ઈનકાર કરી દીધો
આ દ્રશ્ય એવા સમયે સામે આવ્યું છે, જ્યારે તાજેતરના મહિનાઓમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટને લઈને તણાવ ખુલ્લેઆમ દેખાયો છે. ACC મેન્સ T20 એશિયા કપ ૨૦૨૫માં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગા સાથે હાથ નહોતો મિલાવ્યો. આ તણાવ ગ્રુપ સ્ટેજથી લઈને સુપર-૪ સ્ટેજ અને ફાઈનલ સુધી સ્પષ્ટ દેખાયો હતો.
એશિયા કપ ફાઈનલમાં ભારતીય ખેલાડીઓએ જીત બાદ ACC ના અધ્યક્ષ મોહસીન નકવીના હાથે ટ્રોફી સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. તેવી જ રીતે મહિલા વર્લ્ડ કપ અને હોંગકોંગ સુપર સિક્સ જેવી ટુર્નામેન્ટમાં પણ બંને ટીમોના ખેલાડીઓએ હાથ મિલાવવાનું ટાળ્યું હતું.
જ્યારે ભારતે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સની બીજી સીઝનમાં પાકિસ્તાન સામે રમવાનો ઈનકાર કરી દીધો ત્યારે તણાવ ચરમ પર પહોંચ્યો. ભારતે માત્ર ગ્રુપ સ્ટેજમાં જ નહીં પરંતુ સેમિફાઈનલમાં પણ પાકિસ્તાનનો સામનો કરવાનો ઈનકાર કરી દીધો હતો.
મેચની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને ૪ ઓવરમાં ૫૬ રન પર ૪ વિકેટ ગુમાવી દીધી હતી. શોએબ મલિકે આક્રમક અંદાજમાં ૩૪ રન બનાવ્યા હતા, જ્યારે ઈમરાન નઝીરે ૧૬ રનનું યોગદાન આપ્યું હતું. જવાબમાં ભારતીય ટીમ ૪ વિકેટ પર માત્ર ૫૧ રન જ બનાવી શક્યુ હતું અને ટાર્ગેટથી પાછળ રહી ગયું. આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાનની સતત ત્રીજી જીત હતી. આ પહેલા પાકિસ્તાને યુએઈ અને શ્રીલંકન લૉયન્સને હરાવ્યું હતું