Last Updated on by Sampurna Samachar
યુએન સિક્યુરિટી કાઉન્સિલના નવા રિપોર્ટમાં દાવો
પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદની સંડોવણીની પુષ્ટિ
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પાસે થયેલા આતંકી હુમલાને લઈને સંયુક્ત રાષ્ટ્રના અહેવાલમાં સનસનીખેજ ખુલાસો થયો છે. યુએન સિક્યુરિટી કાઉન્સિલના નવા રિપોર્ટમાં આ હુમલા પાછળ પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો હાથ હોવાનું સામે આવ્યું છે.

યુએન સિક્યુરિટી કાઉન્સિલની ૧૨૬૭ સેન્ક્શન્સ કમિટી દ્વારા તૈયાર કરવામાં આવેલા અહેવાલ મુજબ, એનાલિટિકલ સપોર્ટ એન્ડ સેન્ક્શન્સ મોનિટરિંગ ટીમે લાલ કિલ્લા હુમલામાં પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદની સંડોવણીની પુષ્ટિ કરી છે.
પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં TRF નો હાથ હતો
એક સભ્ય દેશના જણાવ્યા અનુસાર, જૈશે પોતે આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. આ રિપોર્ટ ફરી એકવાર સરહદ પારથી ફેલાવવામાં આવતા આતંકવાદ પર ગંભીર સવાલો ઉભા કરે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ૮ ઓક્ટોબરના રોજ આતંકી મસૂદ અઝહરે મહિલાઓની એક નવી વિંગ બનાવવાની જાહેરાત કરી હતી, જેનું નામ જમાત-ઉલ-મુમિનાત રાખવામાં આવ્યું છે.

જોકે આ વિંગ હજુ સુધી UN ની પ્રતિબંધિત યાદીમાં સામેલ નથી, પરંતુ તેના પર આતંકી પ્રવૃત્તિઓને સમર્થન આપવાનો આરોપ છે. પાકિસ્તાન સતત દાવો કરતું આવ્યું છે કે જૈશ અને લશ્કર જેવા સંગઠનો હવે સક્રિય નથી, પરંતુ UN નો આ રિપોર્ટ પાકિસ્તાનના દાવાઓની પોલ ખોલે છે.
આ અહેવાલમાં માત્ર જૈશ જ નહીં, પરંતુ લશ્કર-એ-તૈયબાના પ્રોક્સી ગણાતા ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એપ્રિલ ૨૦૨૫માં પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં TRF નો હાથ હોવાનું જણાવાયું છે. ભારતે મે ૨૦૨૫માં પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓ પર જે કાર્યવાહી કરી હતી, તેને આ હુમલાઓના જવાબ તરીકે જોવામાં આવે છે.