Last Updated on by Sampurna Samachar
HIV નિવારણની નવી દવાને WHO ની મંજુરી
FDA એ લેનાકાપાવિરને પહેલાં જ મંજૂરી આપી
(સંપૂર્ણ સમાચાર સેવા)
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને (WHO) હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ (HIV) ના નિવારણ માટે લેનાકાપાવિરના ઉપયોગને મંજૂરી આપી છે. આ દવા HIV નિવારણની દિશામાં અકસીર સાબિત થઈ શકે છે. આ દવા એવા લોકો માટે જીવનરક્ષક સાબિત થઈ શકે છે, જેને HIV એક્સપોઝરનું જોખમ વધારે હોય છે.

જેમ કે, સેક્સ વર્કર અથવા એવા લોકો જે HIV દર્દીઓની સારવાર અથવા દેખરેખના કામ સાથે જોડાયેલા છે. WHO એ વૈશ્વિક HIV નિવારણના પ્રયાસોને મજબૂત કરવા માટે દિશાનિર્દેશ જાહેર કર્યા અને આ દરમિયાન તેમને લૉન્ગ ટર્મ સુરક્ષા આપતી આ એન્ટીરેટ્રોવાઇરલ દવાને મંજૂરી આપી. લોનાકાપાવિરને મંજૂરી મળ્યાની જાહેરાત પૂર્વ આફ્રિકન દેશ રવાંડાની રાજધાની કિગાલીમાં આયોજિત ૧૩માં આંતરરાષ્ટ્રીય એઇડ્સ સોસાયટી સંમેલનમાં કરવામાં આવી હતી.
નવી દવા વર્ષમાં બે વાર લેવાની જરૂર
અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ લેનાકાપાવિરને પહેલાં જ મંજૂરી આપી દીધી હતી. HIV નિવારણ માટે આ ઇન્જેક્શન વર્ષમાં બે વાર પ્રી-એક્સપોઝર પ્રોફિલેક્સિસ (PREP) સારવારની સ્થિતિમાં આપવામાં આવે છે. આ ઇન્જેક્શનને ૨૦૨૨માં HIV ની સારવાર માટે મંજૂરી મળી હતી. આ ટ્રાયલ દરમિયાન HIV સંક્રમણથી બચવામાં અસરકારક સાબિત થઈ છે.
અહેવાલો અનુસાર, WHO ના ડિરેક્ટર જનરલ TEDROS Adhanom Ghebreyesus એ કહ્યું કે, હજુ સુધી HIV ની રસી નથી બનાવી શક્યા. પરંતુ, આ નવી દવા જેને વર્ષમાં ફક્ત બે વાર લેવાની જરૂર છે, તે અત્યાર સુધીની સૌથી સારી નવી દવા છે.
નોંધનીય છે કે, ફક્ત ૨૦૨૪માં આશરે ૧૩ લાખ લોકો HIV થી સંક્રમિત થયા હતા. જેમાં મોટાભાગના લોકો સેક્સ વર્કર, પુરૂષો સાથે યૌન સંબંધ બાંધનારા પુરૂષ, ટ્રાન્સજેન્ડર, નશાકારક દવાનું ઇન્જેક્શન લગાવનારા લોકો, જેલમાં બંધ લોકો, બાળકો અને કિશોરો હતા.
લેનાકાપાવિર અમેરિકન દવાની કંપની ગિલિયડ સાઇન્સે બનાવી છે. આ Capsid Inhibitor નામની દવાઓમાંથી એક નવા સમૂહ સાથે સંબંધિત છે, જે HIV Replication Cycle અનેક તબક્કાને અવરોધિત કરીને એચઆઈવીથી સુરક્ષા આપવાનું કામ કરે છે. LEN પહેલું PREP ઇન્જેક્શન છે, જે વર્ષમાં ફક્ત બેવાર આપવામાં આવી શકે છે. લાંબા સમય સુધી માનવ શરીરમાં અસરકારક આ ઇન્જેક્શન ગોળી અને બાકીની સારવારની તુલનામાં વધુ શક્તિશાળી છે. તેથી આ એવા લોકો માટે મદદગાર છે, જેને એચઆઈવી સંક્રમણ થવાનું જોખમ વધારે હોય છે.