Last Updated on by Sampurna Samachar
અમેરિકાના જાહેર ચોકમાં સ્થાપિત થઈ સ્વામી વિવેકાનંદની કાંસ્ય પ્રતિમા
સીએટલ શહેરના ડાઉનટાઉન વિસ્તારના વેસ્ટલેક સ્ક્વેર ખાતે સ્વામી વિવેકાનંદની કાંસ્ય પ્રતિમા સ્થાપિત કરાઈ.
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો ડંકો ફરી એકવાર સાત સમુદ્ર પાર અમેરિકામાં વાગ્યો છે. અમેરિકાના સીએટલ શહેરના ડાઉનટાઉન વિસ્તારના વેસ્ટલેક સ્ક્વેર ખાતે સ્વામી વિવેકાનંદની કાંસ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ એક ઐતિહાસિક ઘટના છે કારણ કે અમેરિકાના કોઈ શહેરમાં સ્વામી વિવેકાનંદનું સ્મારક સ્થાપિત કરવામાં આવ્યું હોય તેવો આ પ્રથમ કિસ્સો છે.

સ્વામી વિવેકાનંદની આ પ્રતિમા સીએટલના પ્રતિષ્ઠિત વેસ્ટલેક સ્ક્વેર ખાતે મૂકવામાં આવી છે. આ વિસ્તાર શહેરનું મુખ્ય કેન્દ્ર છે, જ્યાં દરરોજ ૪ લાખથી વધુ લોકોની અવરજવર રહે છે. એમેઝોન હેડક્વાર્ટર, સીએટલ કન્વેન્શન સેન્ટર અને મોનોરેલ જેવા મહત્વના સ્થળો આ પ્રતિમાની નજીકમાં જ આવેલા છે. અમેરિકાના કોઈ જાહેર ચોકમાં ભારતીય મહાપુરુષની આટલી ભવ્ય પ્રતિમા મૂકવી એ ભારતીય સંસ્કૃતિનો વિજય માનવામાં આવે છે.
ભારત અને અમેરિકા વચ્ચેના સાંસ્કૃતિક સંબંધો વધુ મજબૂત થશે
૧૧ એપ્રિલ, ૨૦૨૬ના રોજ આયોજિત આ કાર્યક્રમમાં સીએટલના મેયર કેટી વિલ્સન અને ભારતના કોન્સ્યુલ જનરલ દ્વારા સંયુક્ત રીતે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે સીએટલના મેયર ઉપરાંત કેન્ટ, ઓબર્ન, ટુકવિલા, નોર્મેન્ડી પાર્ક અને ર્કિકલેન્ડ જેવા પડોશી શહેરોના મેયર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત બેલેવ્યુ, બોથેલ અને રેડમન્ડ સિટી કાઉન્સિલના સભ્યો તેમજ ભારતીય અમેરિકન સમુદાયના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
મેયર કેટી વિલ્સને આ પ્રસંગે જણાવ્યું હતું કે, સ્વામી વિવેકાનંદનું આ સ્મારક સીએટલની સર્વસમાવેશક ભાવનાનું પ્રતિક છે અને તેનાથી ભારત અને અમેરિકા વચ્ચેના સાંસ્કૃતિક સંબંધો વધુ મજબૂત થશે.
સ્વામી વિવેકાનંદની આ પ્રતિમા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ કલ્ચરલ રિલેશન્સ દ્વારા સીએટલ શહેરને ભેટ તરીકે આપવામાં આવી છે. ૈંઝ્રઝ્રઇ દિવસની ઉજવણીના ભાગરૂપે આ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય હેતુ ભારતની સાંસ્કૃતિક કૂટનીતિને વેગ આપવાનો અને લોકો વચ્ચેના સંબંધોને ગાઢ બનાવવાનો છે.
આ પ્રતિમાનું નિર્માણ ભારતના વિખ્યાત શિલ્પકાર નરેશ કુમાર કુમાવત દ્વારા કરવામાં આવ્યું છે. જેમણે વિશ્વના ૮૦થી વધુ દેશોમાં ૬૦૦થી વધુ પ્રતિમાઓ બનાવી છે. ઉલ્લેખનીય છે કે સ્વામી વિવેકાનંદે ૧૮૯૩માં શિકાગોની ધર્મ સંસદમાં વેદાંત અને યોગનો પરિચય પશ્ચિમી દેશોને કરાવ્યો હતો, અને હવે સીએટલના હૃદયમાં તેમની પ્રતિમા પ્રવાસીઓ માટે પ્રેરણાનું કેન્દ્ર બનશે. આ સ્મારક ભારતની સાંસ્કૃતિક રાજદ્વારી પહેલનો એક ભાગ છે, જે લોકો વચ્ચેના જાેડાણને વધારશે.