Last Updated on by Sampurna Samachar
ICC ચેમ્પિયન્સ ટ્રોફી હાર્યા બાદ ન્યુઝીલેન્ડના ખેલાડીનુ નિવેદન
વિરાટ કોહલીએ વિલિયમસન માટે દુ:ખ વ્યક્ત કર્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ICC ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ ની ફાઈનલ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ જ્યાં જશ્ન મનાવી રહ્યા હતા, જ્યારે બીજી તરફ ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિશેલ સેન્ટનરની આંખોમાં આંસુ હતા, જ્યારે તેના ખેલાડીઓ ભારતને ઉજવણી કરતા જોઈને દુ:ખી હતા.
ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ પણ પોતાના મિત્ર કેન વિલિયમસન માટે દુ:ખ વ્યક્ત કર્યું હતું. ત્યારબાદ એવું માનવામાં આવતું હતું કે, આ ૩૪ વર્ષનો ધાકડ બેટ્સમેન નિવૃત્તિ લઈ શકે છે. હવે આ અંગે ન્યૂઝીલેન્ડના પૂર્વ ફાસ્ટ બોલર ટિમ સાઉથીએ મોટું નિવેદન આપ્યું છે.
ન્યૂઝીલેન્ડની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું
૩૬ વર્ષીય ન્યૂઝીલેન્ડના પૂર્વ ફાસ્ટ બોલર ટિમ સાઉથીએ કેન વિલિયમસનની નિવૃત્તિ પર કહ્યું કે, તે હજુ ત્રણેય ફોર્મેટમાં રમી રહ્યો છે અને શિયાળામાં તેની પાસે કાઉન્ટી ક્રિકેટનો કરાર પણ છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે, તેની અંદર રન બનાવવાની ભૂખ હજુ પણ જીવંત છે. આગામી વનડે વર્લ્ડ કપ માટે હજુ બે વર્ષનો સમય છે. મને લાગે છે કે, ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ તેને મર્યાદિત ક્રિકેટ રમાડીને ફ્રેશ રાખવા માંગશે. જેથી તે ૨૦૨૭ ના વનડે વર્લ્ડ કપમાં ટીમ માટે હાજર રહે. ૩૪ વર્ષની ઉંમરે પણ તે એકદમ યુવાન દેખાય છે અને તેની અંદરની ભૂખ હજુ પણ જીવંત છે.‘
ICC ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫માં ન્યૂઝીલેન્ડની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું પરંતુ ભારત સામે એક નહીં પરંતુ બે વાર હારનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે ન્યૂઝીલેન્ડની ટીમને ખાલી હાથે પરત ફરવું પડ્યું. ન્યૂઝીલેન્ડ માટે કેન વિલિયમસને પાંચ ઈનિંગ્સમાં ૪૭.૨૫ની સરેરાશથી ૧૮૯ રન બનાવ્યા હતા. જેમાં એક સદી પણ સામેલ છે. હવે વિલિયમસન ન્યૂઝીલેન્ડ માટે કોઈપણ કિંમતે ૨૦૨૭ વનડે વર્લ્ડ કપ રમવા માંગશે.